હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગો માટે ભુજ-માધાપરમાં પ્રોસ્થેટિક લિમ્બ્સ કેમ્પ

૨૬ અને ૨૭ ઓક્ટોબરના રોજ વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ એસેસમેન્ટ કેમ્પ યોજાશે

મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ અર્થે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગાંધીનગરના સમાજ સુરક્ષા વીભાગ હેઠળની નાયબ નિયામક, સમાજ સુરક્ષા કચેરી, ભુજ દ્વારા કચ્છ જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગના એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવશે.
આ દ્વિ-દિવસીય નિદાન અને એસેસમેન્ટ કેમ્પ તા. ૨૬/૧૦/અને તા. ૨૭/૧૦/ના સવારે ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નવચેતન અંધજન મંડળ, માહી ડેરી સામે, માધાપર-ભુજ હાઇવે, ખાતે રાખવામાં આવેલો છે. એલિમકોના વિશેષ સહયોગથી યોજાનાર આ કેમ્પ અંતર્ગત ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ તથા કેલીપર્સનું નિષ્ણાતો દ્વારા એસેસમેન્ટ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં અકસ્માત કે અન્ય કોઈપણ કારણોસર પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે આ કેમ્પમાં તદ્દન ફ્રી નિદાન અને માપણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કેમ્પ અંતર્ગત જે દિવ્યાંગ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવશે અને તેમને આગામી સમયમાં રાજ્યકક્ષાથી નક્કી થનારી તારીખ અને સ્થળે વિનામૂલ્યે સાધન સહાય (કૃત્રિમ અવયવો) ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેમ્પમાં આવનારા લાભાર્થી દિવ્યાંગ ભાઈ-બહેનોએ ૧. દિવ્યાંગતા સર્ટિફિકેટ (UDID કાર્ડ) ૨. આધાર કાર્ડ ૩. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ૪. આવકનો દાખલો ડોક્યુમેન્ટ તરીકે સાથે લાવવાના રહેશે. તેવું નાયબ નિયામક ડી. જે. દેસાઈ, સમાજ સુરક્ષા કચેરી, કચ્છ દ્વારા જણાવાયું છે.