સંચાલકને લોખંડના એંગલથી માર્યો, 30થી વધુ સામે ફરિયાદ; ક્રેનના કાચ તોડી નુકસાન
માંડવી તાલુકાના નાની ખાખર ગામ નજીક કાર્યરત ગ્રેવિટા કંપની સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે થયેલી બબાલમાં ટોડા દ્વારા ક્રેન મશીનમાં તોડફોડ કરી ટ્રાન્સપોર્ટના સંચાલક પર હુમલો કરાયાની ઘટના બહાર આવી છે. કંપનીના કમ્પાઉન્ડમાં ઘૂસી આ ઘટનામાં ટોળાએ ક્રેન મશીનના કાચ તોડી અંદાજે 50 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત સંચાલકને લોખંડના એંગલના ટુકડાથી માર મારી ઇજા પહોંચાડવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
નાની ખાખરના રવેચી માતાજી મંદિર નજીક રહેતા અને સાગર કન્ટેનર સર્વિસ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા 42 વર્ષીય મયુરસિંહ રાજેન્દ્રસિંહે આ પ્રકરણમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પોપટભા જાડેજા, છત્રપાલસિંહ જુવાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ લઘુભા જાડેજા, રાજા તલુભા જાડેજા, દુષ્યંતસિંહ મહિપતસિંહ જાડેજા, રાજનસિંહ પ્રવિણસિંહ જાડેજા, રામદેવજી લઘુભા જાડેજા, જયદીપસિંહ બહાદુરસિંહ જાડેજા, ભમરસિંહ રાઠોડ, એજાજ રજાક ખલીફા, ચેતનસિંહ જસસિંહ જાડેજા તથા નારણ ગાભાભાઈ ગઢવીનાં નામ જણાવ્યાં છે. ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે નઘુભા જાડેજાએ ફરિયાદીનું ગળું પકડી એંગલ સાથે માથું અથડાવ્યું હતું અને લોખંડના એંગલના ટુકડાથી જમણા પગે મારતાં લોહી નીકળ્યું હતું. અન્ય શખ્સોએ પણ માર માર્યો હતો. ક્રેનની કેબિનના કાચ અને નજીક ઊભેલી ફોરવ્હીલ કારના કાચ પણ તોડી નખાયા હતા. ઇજાગ્રસ્તને માંડવી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. કંપનીના વિરોધના કારણે આ હુમલો થયાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

