વેપારીઓની સમસ્યાઓ, ટ્રાફિક, પાર્કિંગ અને નાગરિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા, વ્યવસ્થિત આયોજન માટે સંયુક્ત પ્રયાસો પર ભાર
દિવાળીના તહેવાર દરમિયાન ગાંધીધામ અને આદિપુરના બજારોમાં ખરીદી માટે ઉમટતા લોકો, વેપારીઓની સુવિધા તથા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને પૂર્વ કચ્છ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેમ્બર ભવન ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, દબાણ, માલસામાનની હેરફેર, બજારોની સુરક્ષા અને નાગરિક સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ વેપારીઓની સુગમતા અને જાહેર વ્યવસ્થાની જાળવણી વચ્ચે સંતુલન સાધવાનો રહ્યો હતો.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડાએ સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે દિવાળી વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓની દૃષ્ટિએ મહત્ત્વનો સમય છે. આ દરમિયાન બજારોમાં વધતી અવરજવર વચ્ચે વેપારીઓને અનુકૂળતા, ગ્રાહકોને સુવિધા અને નાગરિકોને સુરક્ષા મળે તે સૌની સહિયારી જવાબદારી છે. વેપારીઓના પ્રશ્નો અને સૂચનોના યોગ્ય નિરાકરણ માટે પોલીસ તથા સંબંધિત તંત્ર સાથે સંકલન જાળવવામાં આવશે. પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારે વેપારીઓની રજૂઆતોને સાંભળી જણાવ્યું હતું કે પોલીસ તંત્રનો હેતુ વેપાર કે ખરીદીની પ્રવૃત્તિમાં અવરોધ ઊભો કરવાનો નહીં, પરંતુ વેપારીઓ, ગ્રાહકો અને નાગરિકો માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ ઊભું કરવાનો છે. તેમણે વેપારીઓને પોતાની સમસ્યાઓ અંગે સંબંધિત ટીમો સાથે સંકલન કરીને વ્યવહારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં ગાંધીધામના માનદ મંત્રી મહેશ તીથાણીયાએ જૂની સંકલન પરંપરાને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ગાંધીધામની વસ્તી, વાહનોની સંખ્યા અને વેપારી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, જ્યારે શહેરના અનેક માર્ગો પર ઉપલબ્ધ જગ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં માત્ર ફરિયાદો કરવાને બદલે બજારની વાસ્તવિક પરિસ્થિતિ સમજીને વ્યવહારુ ઉકેલ શોધવો જરૂરી છે.
વેપારીઓ દ્વારા ખાસ કરીને ગ્રાહકો માટે પૂરતી અને સુનિશ્ચિત પાર્કિંગ વ્યવસ્થા, દુકાનોની આગળ વાહનોના પાર્કિંગનું યોગ્ય આયોજન, ફૂટપાથ અને રસ્તાઓ પરના દબાણ દૂર કરવા, માલસામાનની હેરફેર માટે અનુકૂળ સમય અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય બજાર, ગુંદરી ગેટ અને ભારતનગર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા પણ રજૂઆતો થઈ હતી હતી. બેઠકમાં બજારના માર્ગો ખુલ્લા રહે, વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક થાય અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા તથા પોલીસ વચ્ચે સંકલન વધારવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મહેશ ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસના પ્રતિનિધિઓ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

