છારી ઢંઢના અભયારણ્યમાં શિકારે નીકળેલો ઈસમ બંદૂક સાથે ઝડપાયો

નિરોણાની ઉત્તરાદી સીમમાં સ્થાનિક પોલીસની આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

છારી ઢંઢ સહિતના અભયારણ્ય વિસ્તારોમાં પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ સક્રિય બની છે. આ વચ્ચે નિરોણા પોલીસે ઉત્તરાદી નીરોણા સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, નિરોણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાની સૂચના મુજબ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. આહીર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હુસેન સાહુ સોરા ( નિરોણા, તા. નખત્રાણા)ને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી અંદાજે 1,000ની કિંમતની એક દેશી બંદૂક કબજે કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારી ઢંઢ ખાતે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓના શિકાર માટે આવતા શખ્સો વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ કે.એચ. આહીર, એ.એસ.આઈ. વિશ્વજીતસિંહ કુંપાવત, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કાનાણી અને કોન્સ્ટેબલ પેન્દ્રદિપસિંહ વાઘેલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.