ભુજ , નખત્રાણા , વાંકુ અને મેઘપરમાં દબાણો હટાવાયા

વહીવટી તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરાયેલી કાર્યવાહી

ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી અવિરત રાખતા જિલ્લાના વહીવટી તંત્રે પોલીસના સહયોગથી રવિવારે ભુજ, વાંકુ , મેઘપર અને નખત્રાણા ખાતે દબાણો હટાવ્યા હતા.
અબડાસાના વાંકું ગામની સીમમા કોઠારાથી જખૌ માર્ગ પર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સબડિવિઝન: માંડવી/નલિયા) દ્વારા બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી જખૌ પોલીસ સ્ટેશનના કાફલાને સાથે રાખીને કરવામાં આવી. કોઠારા-જખૌ રોડ પર ભરતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલુ આશરે 70 ચોરસ મીટરનું ગેરકાયદેસર વાણિજ્યિક (કોમર્શિયલ) દબાણ દૂર કરવામાં આવ્યુ. મુક્ત કરાવવામાં આવેલી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 2,80,000 થાય છે.
જ્યારે ભુજમાં સરકારી જમીન પરથી ૧૩ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું. ૯૦ ચો.મી. જમીન સરકાર હસ્તક લેવાઇ હતી. ભુજ સીમના સર્વે નંબર ૮૭૦/૧ પૈકી વાળી સરકારી જમીન પર દબાણકર્તા શિવરાજસિંહ ઉર્ફે જયવીરસિંહ દિલુભા જાડેજાના કબ્જાની આશરે ૯૦ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલા ઓફિસ તથા દુકાનનું બાંધકામ જેની જમીનની આશરે જંત્રી કિંમત રૂ. ૧૩,૦૦,૦૦૦ થાય છે. તેને દૂર કરાયુ હતું. મામલતદાર (ભુજ શહેર)ની ટીમ દ્વારા “બી” ડીવીઝન પોલીસ ટીમની હાજરીમા આ કાર્યવાહી કરાઈ હતી.
બીજીબાજુ લખપત તાલુકાના મેધપર ગામે સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ સામે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી હતી. મેધપરના સર્વે નંબર ૫/ પૈકીમાં આવેલી ૮૦૦ ચોરસ મીટર સરકારી જમીન જેની અંદાજિત જંત્રી કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ થાય છે તેના પરથી ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યું. મામલતદાર લખપત અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી થઈ હતી.
દરમ્યાન નખત્રાણાના નખત્રાણા મોટા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પરનું દબાણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સર્વે નંબર ૪૫૦/પૈકી ૧૪૩ની જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવેલા રહેણાક મકાન તથા વાડાનું દબાણ હટાવીને ૪૦૪૭ ચોરસ મીટર જમીનનો કબજો નગરપાલિકા હસ્તક લેવામાં આવ્યો હતો. દબાણમુક્ત કરાવવામાં આવેલી આ જમીનની અંદાજિત કિંમત ૬૦,૭૫,૫૦૦ થાય છે. તેવી વિગતો સતાવાર રીતે અપાઈ હતી.