૧૦૦ એકરમાં ફેલાયેલી ટાઉનશિપ અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ સહિત ૫,૦૦૦ લોકોને આજીવન પ્રેમાળ ઘર પૂરું પાડશે
રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એક અનોખી પહેલની કલ્પના અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભાવસ્થાથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે આજીવન ઘર તરીકે કરવામાં આવી છે. તે તેમને વ્યાપક સ્વાસ્થ્ય સંભાળ અને વ્યક્તિગત વિકાસની તકોના સહારે ગરિમાપૂર્ણ, સંભાળભર્યું, આરામદાયક અને સાર્થક જીવન પ્રદાન કરશે.
શ્રીમતી અંબાણીએ મુંબઈ નજીક આવેલા કરજતમાં પ્રસ્તાવિત સ્થળે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. આશરે ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલી આ ટાઉનશિપ- ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’- એક કાયમી, બિન-નફાકારક સંસ્થા તરીકે પરિકલ્પિત છે, જેનું નિર્માણ તમામ આવશ્યક મંજૂરીઓને આધીન તબક્કાવાર રીતે કરવામાં આવશે. આ પહેલના હાર્દમાં શ્રીમતી નીતા અંબાણીનો એ દ્રઢ વિશ્વાસ રહેલો છે કે દરેક જીવન સન્માનને પાત્ર છે અને પ્રત્યેક વ્યક્તિ સહાનુભૂતિ, કરુણા તથા સ્નેહાળ સંભાળ મેળવવાને લાયક છે. રિલાયન્સ ફાઉન્ડેશનની ‘વી કેર’ ની ભાવનામાં રહેલી આ દ્રષ્ટિ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય: પ્રત્યેક જીવન માટે એક ઘર’ના રૂપમાં ઊંડાણપૂર્વકની અર્થપૂર્ણ અભિવ્યક્તિ પામશે.
ભૂમિપૂજન સમારોહમાં બોલતાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “મારા અને મારા પરિવાર માટે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એ અમારા હૃદયની અત્યંત નિકટ રહેલી એક નવી શરૂઆત છે. તે દિવ્યાંગ વ્યક્તિઓ, જેને ઘરની જરૂર છે તેવા બાળકો અને સ્નેહાળ સંભાળ તથા શાંતિ ઝંખતા વરિષ્ઠો માટે એક મમતાભર્યું ઘર બનાવવા તરફનું ડગલું છે. અમે એક એવા સમુદાયની કલ્પના કરીએ છીએ જ્યાં સંવેદનશીલ સંભાળ અને તબીબી સહાય પારિવારિક જીવનની હુંફ સાથે એકરૂપ બને; જ્યાં લોકો કુદરતના સાનિધ્યમાં રહે, તેમને શીખવાની, કામ કરવાની, મિત્રો બનાવવાની અને ઉત્સવો તથા તહેવારોનો આનંદ માણવાની ભરપૂર તકો મળે.”
“એક માતા તરીકે મારી સૌથી અંતરની ઊંડી આશા એ છે કે, જે માતા-પિતા આખી જિંદગી એ ચિંતામાં વિતાવતા હોય છે કે ‘અમારા પછી અમારા બાળકોનું કોણ?’, તેઓ એ જાણીને મનની શાંતિ મેળવી શકે કે તેમના બાળક પાસે હંમેશા પોતાનું એક ઘર અને પોતાનો એક પરિવાર રહેશે. સૌથી વિશેષ તો, અમે આશા રાખીએ છીએ કે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ દરેક ઉંમરે પ્રત્યેક વ્યક્તિને ગરિમા સાથે જીવવાની અને આશા સાથે દરેક નવી સવારને આવકારવાની તક આપે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
ઘરથી દૂર એક આત્મીય ઘર ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલી, સર્વસમાવેશી ટાઉનશિપ તરીકે પરિકલ્પિત છે, જે ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતા લોકો, અનાથ બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત ૫,૦૦૦ થી વધુ નિવાસીઓને આજીવન ઘર પૂરું પાડશે. સંભાળ રાખનારાઓ (કેરગીવર્સ), તબીબી નિષ્ણાતો, સહાયક કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે મળીને આ ટાઉનશિપ આશરે ૧૫,૦૦૦ લોકોના સમુદાયને સમાવી લેશે તેવી અપેક્ષા છે.
કોઈ સામાન્ય સંસ્થા કરતાં વિશેષ, ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક જીવંત, સંભાળ રાખતો સમુદાય બનશે જ્યાં નિવાસીઓ દર્દી તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે પરિવારની હુંફ, સુરક્ષા અને પોતીકાપણાની ભાવના સાથે રહેશે. આ ટાઉનશિપમાં ઘરો, શેરીઓ, મંદિર, હોસ્પિટલ, રમતનાં મેદાનો, બગીચાઓ, ફાર્મ અને વર્કશોપ હશે, જે એક એવું વાતાવરણ પૂરું પાડશે જ્યાં પ્રત્યેક વ્યક્તિને પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવાની તક મળશે.

