5 નવેમ્બર સુધી નવેમ્બર મહિનાનું રાશન વિતરિત કરાશે, કાર્ડદીઠ 1 લિટર સિંગતેલ અને 1 કિલો વધારાની ખાંડ અપાશે
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે. કચ્છ જિલ્લાના 2.60 લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોને દિવાળી પહેલાં જ નવેમ્બર મહિનાનો રાશનનો જથ્થો મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
તંત્રના આદેશ અનુસાર, આગામી 1થી 5 નવેમ્બર દરમિયાન જિલ્લાના તમામ વ્યાજબી ભાવની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી નવેમ્બર મહિનાના રાશનનું વિતરણ પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિશેષ રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.
આ યોજના અંતર્ગત દરેક પાત્ર રેશનકાર્ડ દીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ આપવામાં આવશે. સાથે જ નિયમિત મળતા જથ્થા ઉપરાંત કાર્ડદીઠ 1 કિલો વધારાની ખાંડ પણ વિતરણ કરવામાં આવશે. રાશન વિતરણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં જ દુકાનોમાં એડવાન્સમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. પુરવઠા નિગમનાં ગોડાઉનોમાંથી જથ્થાના પરિવહનની પ્રક્રિયા પૂર્ણ કરીને વાજબી ભાવની દુકાનો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે. તેવું સતાવાર સાધનોએ જણાવ્યું છે. તહેવારોના સમયમાં લાભાર્થીઓને રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે અને સમયસર અનાજ સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી કચ્છ જિલ્લાના હજારો પરિવારોને દિવાળી પહેલાં રાહત મળશે. તેવી આશા રખાઈ રહી છે.

