ભુજમા 947 ગ્રામ પોશડોડા સાથે રાજસ્થાની ઝડપાયો

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી, 34,205નો મુદ્દામાલ કબજે

નો ડ્રગ્સ ઇન વેસ્ટ કચ્છ” અભિયાન અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા ભુજના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ શહેરમાં સ્મૃતિવન રોડ પર શાન-એ-પંજાબ હોટલ પાછળની ગલીમાંથી 947 ગ્રામ પોશડોડા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી રૂ. 14,205ની કિંમતનો 947 ગ્રામ પોશડોડાનો જથ્થો, રૂ. 10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂ. 10,000ની કિંમતનું એક હોન્ડા મોપેડ મળી કુલ રૂ. 34,205નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ આશારામ ઉર્ફે અશોક માણકરામ ખાબા (બિશ્નોઈ), ઉંમર 32 રાજસ્થાનના જોધપુર જિલ્લાના ફલોદી તાલુકાના મઢ ગામ તરીકે થઈ છે. તે હાલ ભુજના કૈલાશનગરમાં રહેતો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કાર્યવાહી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ઝાલા, સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.