રજવાડી સાફા અને પરંપરાગત શસ્ત્રો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓનું શૌર્યભર્યું પ્રદર્શન, તલવારબાજી બની આકર્ષણ
દશેરાના પર્વ નિમિત્તે અંજાર ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખતાં શોભાયાત્રા યોજાઈ હતી. પરંપરા, શૌર્ય અને ક્ષત્રિય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતી આ શોભાયાત્રામાં સમાજના ભાઈઓ રજવાડી સાફા અને પોતપોતાનાં પરંપરાગત શસ્ત્રો સાથે જોડાયા હતા. ‘જય ભવાની’ના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રાએ વાતાવરણને ક્ષત્રિય શૌર્ય અને ઉત્સાહથી ગુંજતું બનાવ્યું હતું. શોભાયાત્રાનો પ્રારંભ અંજારના ગાયત્રી ચાર રસ્તા ખાતેથી થયો હતો. ત્યાંથી રોટરી ભવન, બસ સ્ટેશન સર્કલ, જડેશ્વર મંદિર, મ્યુનિસિપાલિટી ગાર્ડન અને બસ સ્ટેશન થઈને યાત્રા પરત ક્ષત્રિય સમાજ ભવન ખાતે પહોંચી હતી.
સમગ્ર માર્ગ દરમિયાન પરંપરાગત વેશભૂષા અને શસ્ત્રો સાથે જોડાયેલા સમાજના ભાઈઓએ ક્ષત્રિય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. શોભાયાત્રા દરમિયાન માર્ગમાં આવતા વિવિધ સર્કલો પર સમાજના ભાઈઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તલવારબાજી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. રજવાડી સાફા, પરંપરાગત શસ્ત્રો અને ‘જય ભવાની’ના નાદે દશેરાના ઉત્સવમાં વિશેષ રંગ ઉમેર્યો હતો. શોભાયાત્રા બાદ ક્ષત્રિય સમાજ ભવન ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર શમીપૂજન અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે શસ્ત્રપૂજન કરીને ક્ષત્રિય સમાજની સાંસ્કૃતિક વિરાસત અને વર્ષોથી જળવાતી પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી.

