મુન્દ્રામાં માલગાડીની ટક્કરે 17 ગૌવંશના મોતથી આક્રોશ

રેલવેની બેદરકારી સામે માલધારી સમાજ,ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમા નારાજગી, ચક્કાજામ કરાયો

મુન્દ્રા તાલુકામાં સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક નજીક માલગાડીની અડફેટે બુધવારે સવારે 17થી વધુ ગૌવંશના મોત નિપજતા અરેરાટી ફેલાઇ છે. માલગાડીની ટક્કરથી મોટી સંખ્યામાં ગૌવંશના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને માલધારી સમાજના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ બનાવને પગલે પશુપ્રેમીઓ અને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. બનાવના પગલે વિરોધ સાથે માર્ગ ઉપર ચક્કાજામ પણ કરાયો હતો.
રેલવે ટ્રેકની બંને બાજુ સુરક્ષિત ફેન્સિંગની વ્યવસ્થાના અભાવે વારંવાર આવી દુર્ઘટનાઓ થઈ રહી હોવાનો આક્ષેપ આ ટાંકણે કરવામાં આવ્યો હતો. માલધારી સમાજના આગેવાનોએ રેલવે તંત્રને તાત્કાલિક અબોલ પશુઓની સુરક્ષા માટે કાયમી પગલાં ભરવાની માંગ કરી હતી. તો બીજી તરફ કચ્છના વડાલાથી આદિપુર સુધીના રેલવે ટ્રેક પર અવારનવાર ટ્રેનની ઝપટે આવી જવાથી પશુઓના થતા અકાળે અને કરુણ મોતને અટકાવવા માટે આઝાદ હિંદ ફોજ દ્વારા રેલવે વિભાગ તથા જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી.
અદાણી રેલવે લાઈન પર રક્ષણાત્મક ફેન્સિંગના અભાવે માલધારી સમુદાયના પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે,જેના કારણે માલધારી પરિવારના રોજીરોટીના મુખ્ય સાધન સમાન પશુઓનું નુકસાન થતા તેઓ મોટો આર્થિક ફટકો વેઠી રહ્યા છે. ત્યારે સંપૂર્ણ ટ્રેક પર પ્રોટેક્શન ફેન્સિંગ બનાવાય,ઓવરબ્રિજ અને અંડરપાસનું નિર્માણ કરવામાં આવે તથા ચરિયાણ માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરાઇ છે. સાથે પશુઓની વધુ અવરજવર વાળા વિસ્તારોમાં ટ્રેનની ઝડપ મર્યાદિત રાખી હોર્ન-એલાર્મ સિસ્ટમ પૂરી રાખવામાં આવે તેવી માંગ સાથે આઝાદ હિંદ ફોજના કન્વીનર સંજય બાપટએ જો આ બાબતે સત્વરે અને કાયમી પગલાં લેવામાં નહીં આવે,તો સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓને સાથે રાખીને પશુધનના રક્ષણ માટે શાંતિપૂર્ણ પરંતુ મજબૂત જન-આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
દરમ્યાન ઝરપરા ગામના લોકોએ વિરોધ કરી માંગણીઓનો લેખિત સ્વીકાર કરવાની માગ સાથે ગાયોનાં મોતના મુદ્દે યોગ્ય વળતર, ગૌશાળાને દાન, ગાયો માટે લીલોચારો અને રેલવે પાટાની બંને બાજુ તારની ફેન્સિંગ કરવાની માગ કરવામાં આવી હતી.માગણીઓ સંતોષવામાં ન આવતાં ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નવીનાળથી ઝરપરા રોડ પર ચક્કાજામ પણ તેમણે કર્યો હતો. જે મોડીસાંજ સુધી નિવેડો ન આવતા અવિરત રહ્યો હતો.