રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 3.62 લાખ કરોડને પાર

ચોખ્ખા નફામાં 33.8 ટકાનો ઉછાળો, બીજા ત્રિમાસિક ગાળામાં 29550 કરોડનો વિક્રમી નફો, EBITDA વધીને 62,409 કરોડ નોંધાયો

જિયો પ્લેટફોર્મ્સનો 30,188 કરોડનો IPO સફળતાપૂર્વક પૂર્ણ કરનાર રિલાયન્સના O2C બિઝનેસએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં શાનદાર નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. 30 સપ્ટેમ્બર, 2026ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક વાર્ષિક ધોરણે 27.8 ટકા વધીને 3,62,268 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે. જ્યારે કંપનીનો ત્રિમાસિક ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 33.8 ટકા વધીને 29,550 કરોડ નોંધાયો છે. કંપનીનો ત્રિમાસિક EBITDA પણ 23.9 ટકા વધીને 62,409 કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં ચોખ્ખો નફો 50,000 કરોડને વટાવી ગયો છે. વૈશ્વિક બજારોમાં અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે પણ કંપનીએ મજબૂત કામગીરી નોંધાવી છે. સ્થાનિક બજાર પર ધ્યાન, શિસ્તબદ્ધ કામગીરી અને વિવિધ વ્યવસાયોના સંકલનને કારણે બાહ્ય પડકારોનો સામનો કરવામાં મદદ મળી હોવાનું કંપનીએ જણાવ્યું છે. રિલાયન્સના ઓઇલ ટુ કેમિકલ્સ (O2C) બિઝનેસે ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વિભાગની આવક વાર્ષિક ધોરણે 44.2 ટકા વધીને 2,31,601 કરોડ નોંધાઈ છે, જ્યારે EBITDA 67.9 ટકા વધીને 25,203 કરોડ થયો છે. મજબૂત ઇંધણ બજાર, ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ માર્જિનમાં સુધારો અને સ્થાનિક માંગે આ પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે 28 ઓક્ટોબર, 2026ના 30,188 કરોડનો IPO સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. IPOને 22 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ સાથે જિયો પ્લેટફોર્મ્સ ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઊભરી હોવાનું કંપનીએ જણાવ્યું છે. જિયો પ્લેટફોર્મ્સની ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે 11.3 ટકા વધીને 47,485 કરોડ નોંધાઈ છે, જ્યારે EBITDA 16.6 ટકા વધીને 21,879 કરોડ થયો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન જિયોએ 3 કરોડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને 30 કરોડ 5G મોબાઇલ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 12 મહિનામાં 3.6 કરોડ નવા ગ્રાહકો જોડાતાં કુલ ગ્રાહક આધાર 54.2 કરોડથી વધુ થયો છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે 6.4 ટકા વધીને 91,716 કરોડ નોંધાઈ છે. કંપનીનો EBITDA 6,228 કરોડ રહ્યો છે અને EBITDA માર્જિન 7.8 ટકા નોંધાયું છે. કંપનીએ જણાવ્યું છે કે તેના સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકોનો વિશ્વાસ તથા સતત જોડાણ વૃદ્ધિના મુખ્ય આધાર રહ્યા છે.
કંપનીના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસે પણ વૃદ્ધિ જાળવી રાખી છે. ભૌતિક સ્ટોર્સ અને ડિજિટલ માધ્યમો દ્વારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન રિલાયન્સના ડિજિટલ સર્વિસિસ બિઝનેસે પણ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીના મુખ્ય આંકડા અનુસાર, ડિજિટલ સર્વિસિસનો EBITDA વાર્ષિક ધોરણે 17.7 ટકા વધીને 22,223 કરોડ થયો છે. મોબાઇલ સેવાઓ, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રે જિયોનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. કંપનીએ સેટેલાઇટ કોમ્યુનિકેશન, 6G ટેક્નોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્ષેત્રે પોતાની ક્ષમતાઓ વિકસાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીના વિવિધ વ્યવસાયોએ જટિલ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે મજબૂત પ્રદર્શન કર્યું છે. તેમણે જિયોના IPOને કંપનીની મૂલ્યસર્જન યાત્રામાં ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. કંપનીએ ઊર્જા ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને ટેક્નોલોજીના વિકાસમાં યોગદાન આપવાની સાથે શેરધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.