પ્રભારી મંત્રી અને સહિતનાની ઉપસ્થિતિમાં કોટડા (ઉગમણા) ખાતે યોજાયો પીએમ કિસાન ઉત્સવ દિવસ
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને અને સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કચ્છનો જિલ્લાકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગોકુલધામ સમાજવાડી, કોટડા ઉગમણા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાનું વિતરણ ખેડૂતોના બેંક ખાતામાં જમા કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કચ્છનો સર્વાંગી વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે કચ્છ જિલ્લો એ દુષ્કાળનો જિલ્લો ગણાતો હતો. ભૂકંપ બાદ સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લાની કાયાપલટ થઈ છે. આજે કચ્છ જિલ્લો સમગ્ર ભારતભરના અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. કચ્છ જિલ્લામાં ઉદ્યોગો આવવા માટે તત્પર છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના થકી અનેક ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ખેતીના સાધનો સહિત જરૂરી સામગ્રીની ખરીદી માટે આ યોજના આર્શીવાદરૂપ બની છે. સાંસદએ કચ્છના વિકાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસોના લીધે આજે કચ્છ વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બન્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં ૭૫ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
દરમ્યાન વડાપ્રધાન દ્વારા ભીલડી બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા પેટે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત કુટુંબોને સીધા તેમના બેંક ખાતામા ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના ૧.૧૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ૨૩.૯૧ કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.
જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશભાઈ ચાવડા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, એપીએમસીના ડીરેક્ટર શંભુભાઈ જરૂ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચો, વહીવટીતંત્રના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

