અદાણી ગ્રુપની આવકમાં 24 ટકા અને EBITDAમાં 25 ટકાનો વધારો

નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 11,340 કરોડે પહોંચી, વાર્ષિક આવક અને EBITDAના લક્ષ્યાંકમાં 1,000 કરોડનો વધારો

અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર નાણાકીય પ્રદર્શન કર્યું છે. 30 સપ્ટેમ્બર, 2026ના પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની એકત્રિત આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધીને 11,340 કરોડ થઈ છે, જ્યારે EBITDAમાં 23 ટકાનો વધારો નોંધાઈ રૂ. 6,807 કરોડ થયો છે.
કંપનીના અહેવાલ મુજબ, બંદરો, લોજિસ્ટિક્સ અને મરીન સેવાઓ સહિતના વિવિધ વ્યવસાયોમાં વૃદ્ધિને કારણે આ પ્રદર્શન નોંધાયું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 3,682 કરોડ થયો છે.
આવક અને નફાકારકતાના લક્ષ્યાંકમાં વધારો
વર્ષના પ્રથમ છ મહિનામાં મજબૂત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને APSEZએ નાણાકીય વર્ષ 2026-27 માટે આવક અને EBITDAના વાર્ષિક લક્ષ્યાંકમાં રૂ. 1,000 કરોડનો વધારો કર્યો છે. હવે કંપનીએ આવકનો લક્ષ્યાંક રૂ. 44,000થી રૂ. 46,000 કરોડ અને EBITDAનો લક્ષ્યાંક રૂ. 26,000થી રૂ. 27,000 કરોડ રાખ્યો છે. સાથે જ, મૂડીરોકાણના લક્ષ્યાંકમાં રૂ. 3,000 કરોડનો વધારો કરીને તેને રૂ. 15,000થી રૂ. 17,000 કરોડ કરવામાં આવ્યો છે.
કંપનીના સ્થાનિક બંદરોની આવકમાં 13 ટકાનો વધારો થયો છે અને EBITDA માર્જિન 72.5 ટકા રહ્યું છે. ત્રિમાસિક ગાળા દરમિયાન સ્થાનિક બંદરો પર 118 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું હેન્ડલિંગ થયું હતું.
આંતરરાષ્ટ્રીય બંદરોની આવકમાં 71 ટકાનો વધારો થઈ 1,839 કરોડ નોંધાયો છે, જ્યારે EBITDA વધીને રૂ. 878 કરોડ થયો છે. આંતરરાષ્ટ્રીય બંદરોનું EBITDA માર્જિન 47.7 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.
લોજિસ્ટિક્સ અને મરીન વ્યવસાયને પણ વેગ
કંપનીના લોજિસ્ટિક્સ વ્યવસાયની આવકમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો થયો છે. મરીન વ્યવસાયની આવકમાં 57 ટકા અને EBITDAમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.
વૈશ્વિક મરીન કાફલાના વિસ્તરણ તથા સમુદ્રની અંદરની સેવાઓમાં પ્રવેશથી આ વૃદ્ધિને વેગ મળ્યો છે.
મજબૂત નાણાકીય સ્થિતિ સાથે વિસ્તરણની તૈયારી
કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં રૂ. 10,521 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. આ સમયગાળામાં ઓપરેટિંગ કેશ ફ્લો રૂ. 13,327 કરોડ રહ્યો હતો. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ કંપની પાસે રૂ. 12,502 કરોડનું રોકડ બેલેન્સ હતું અને નેટ ડેટ-ટુ-EBITDA ગુણોત્તર 1.8 ગણો રહ્યો હતો.
APSEZના પૂર્ણ સમયના ડિરેક્ટર અને CEO અશ્વની ગુપ્તાના જણાવ્યા અનુસાર, કંપનીના વિવિધ વ્યવસાયોમાં એકસાથે થઈ રહેલી વૃદ્ધિ અને મજબૂત બેલેન્સશીટના આધારે આગામી વિસ્તરણને વેગ આપવામાં આવી રહ્યો છે. કંપનીએ તેના ‘એમ્બિશન 2031’ લક્ષ્યાંક તરફ આગળ વધતાં મૂડીરોકાણ વધારવાની યોજના બનાવી છે.
કંપનીના આ પરિણામો દર્શાવે છે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંદરો ઉપરાંત લોજિસ્ટિક્સ તથા મરીન સેવાઓમાં વૃદ્ધિ દ્વારા APSEZ તેના સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યવસાયને વધુ વિસ્તારી રહી છે.