માંડવીમાં પાંચેય ગચ્છની નવપદની ઓળી સંપન્ન થતાં પારણા યોજાયા

આયંબીલ તપનું મહત્વ સાધ્વીજીઓએ સમજાવ્યું, પ્રભાવના કરાઈ

માંડવી શહેરમાં જૈન સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદી ઠાણા-૩, સાધ્વી મહાપદ્માગુણાશ્રીજી મ.સા. આદી ઠાણા-૨ તથા સાધ્વી હંસાબાઈ તથા પિયુષાબાઈ આદિ ઠાણા-૫ ની હાજરીમાં દાતા જડાવબેન કાનજીભાઈ ઠાકરશી પરિવાર તરફથી શરૂ થયેલી માંડવીના જૈન સમાજના પાંચેય ગચ્છની આસો માસની નવપદની શાશ્વતી ઓળી સંપન્ન થતાં, મંગળવારના પારણા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. પારણા પ્રસંગે સાધ્વીજીઓએ આંયબિલ તપનું મહત્વ સમજાવી, માંડવીના જૈન સમાજની એકતાને બિરદાવી હતી. ૧૦ દિવસમાં પાંચેગચ્છમાં કુલ ૮૩૭ ભાવિકોએ આંયબિલ તપની આરાધના કરી હતી જ્યારે આંયબિલ તપની ૮૧ ઓળી થઇ હતી.
આંયબિલ તપના આરાધકોને જુદા-જુદા દાતાઓ તરફથી પ્રભાવના કરવામાં આવી હતી એમ માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આંયબિલ તપની ઓળીની વ્યવસ્થા માંડવી બે-નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સંભાળી હતી જ્યારે દાતા પરિવાર, લહેરીભાઈ શાહ, નલીનભાઈ પટવા, જીગરભાઈ સંઘવી, અજીતભાઈ પટવા, નિખીલેશભાઈ ભંડારી અને વિરલભાઈ શાહ સહયોગી રહ્યા હતાં. દાતા પરિવારના હરીશબેન, પ્રતીક કિરણભાઈ શાહ અને કિરીટભાઈ શાહ પણ સહયોગી રહ્યા હતાં. રસોઈયા રમેશ મારાજનું સન્માન કરાયું હતું.