ગાગોદર નર્મદા બ્રાન્ચ કેનાલમાં સફાઇ ન થતાં ખેડૂતોને નુકસાન થવાની ભિત્તિ

વારંવાર રજુઆત છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાની ફરિયાદ

વાગડ વિસ્તારના રાપર તાલુકામા આજીવિકા નું એકમાત્ર સ્ત્રોત હોય તો તે ખેતીવાડી છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલની મુખ્ય કેનાલ વાટે રાપર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પેટા કેનાલ દ્વારા ખેતી માટે નર્મદાના નીર આપવામાં આવે છે. આ તાલુકાના હાઇવે પટ્ટીના ગામો તથા અનેક વાંઢ વિસ્તારમાં હજારો હેક્ટરમા ગાગોદર બ્રાન્ચ કેનાલ દ્વારા પાણી આપવામા આવે છે. આ પેટા કેનાલમા શિયાળો બેસવાની તૈયારી છે. છતા હજુ સફાઇ કરવામા આવી નથી. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના સભ્ય અને માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદિપસિંહ જાડેજાએ અવારનવાર જિલ્લા સંકલન અને તાલુકા સંકલન સમિતિની બેઠકમા આ અંગે રજુઆત કરી છે. છતાં આજ દિન સુધી નર્મદા કેનાલમાં બાવળ, અન્ય કચરો કે માટીની સફાઈ થઈ નથી. આ કેનાલ અનેક જગ્યાએ તુટી ગઈ છે જે રિપેર કરવા માટે નર્મદા નિગમના અધિકારીઓએ કાર્યવાહી કરી નથી. તેવી ફરિયાદો ઉઠી છે.
એક તરફ સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાક તથા અન્ય પાક માટે પૂરતા વિજળી અને પાણી આપવામા આવશે તેવી જાહેરાત થાય છે. તો બીજીબાજુ રાપર તાલુકો એક માત્ર ખેતી આધારિત છે છતા નર્મદા નિગમ દ્વારા ગાગોદર બ્રાન્ચ કેનાલની સફાઈ થતી નથી. તેવું ગ્રામજનો કહી રહ્યા છે. બાજુમાં રસ્તા પર બાવળ અને જાડી વધી ગયા છે. એકપણ ગેટ પર વાલ્વ મેન હાજર નથી. રીપેરીંગ અને સફાઈના બિલ બની ગયા હશે પરંતુ કામ થયુ નથી. તેવી ફરિયાદો ઉઠી રહી છે.
મોમાયમોરા ડિસ્ટ્રી,સણવા ડિસ્ટ્રી, સુખપર ડિસ્ટ્રી, આડેસર ડિસ્ટ્રી,પ્લાસવા ડિસ્ટ્રી,કાનમેર ડિસ્ટ્રી,બધી જ માઇનર અને સબ માઇનર અને પાઇપલાઈન તૂટેલા છે. પૂરતું પાણી પહોંચતું નથી ખેડૂતોને ફરજિયાત સ્વ ખર્ચે ડીઝલ એંજિન અને બકનળીથી પાણી લેવું પડે છે, સણવા પાસે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવવાના કારણ કેનાલ તૂટી જાય છે ત્યાં એસ્કેપ મુકવાની વારંવાર રજૂઆત હોવા છતાં કામ થતું નથી અને ખેડૂતોને અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. જો આગામી દિવસોમાં આ સફાઈ કામ અને તુટેલી કેનાલ રિપેર નહી કરવામા આવે તો ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થાય એવું છે. તેવો ભય સતાવી રહ્યો છે. રાપર તાલુકામાં રવિ પાકમાં મુખ્યત્વે જીરુંની ખેતી કરવામા આવે છે. પરંતુ નર્મદા કેનાલમાં કચરો સાફ કરવામા કે કેનાલ રિપેર ન કરવામા આવતા નુકસાન થાય એવું છે. તેવી પ્રતિક્રિયા વિસ્તારના ખેડૂતો અને લોકોએ આપી હતી.