નોબતના વાદન સાથે ગાયો માટે મોટી રકમ એકત્ર

ભુજ આશાપુરા મંદિરે કલાકાર શૈલેષ જાનીનું 151 કલાક વાદન અનુષ્ઠાન સંપન્ન

ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે ઉભી થયેલી વિકટ સ્થિતિ વચ્ચે ગાયોના ઘાસચારા માટે 151 કલાકનું અખંડ નોબત વાદન કરનારા જાણીતા કલાકાર શૈલેષ જાનીનું આ અનુષ્ઠાન મંગળવારે સંધ્યા આરતી બાદ ભુજ આશાપુરા મંદિરે સંપન્ન થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન આ કાર્યક્રમના માધ્યમથી મોટી રકમ ગાયોના ઘાસચારા માટે એકત્ર થઈ છે. જે આવનારા કપરા સમયમાં અબોલા જીવો માટે અત્યંત ઉપયોગી બની રહેશે.
મંગળવારે સાંજે ભુજ આશાપુરા મંદિરે ભવિકોના સમૂહ અને દેવલમાં જીવદયા સમિતિના હોદેદારો, અગ્રણીઓ અને સભ્યોની ઉપસ્થિતિમાં મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેના હસ્તે કલાકાર શૈલેષ જાનીનું તિલક કરી, શાલ ઓઢાડી બહુમાન કરવા સાથે નોબત વાદન કાર્યક્રમને વિરામ અપાયો હતો. આ નિમિતે ગાયો માટેના કલાકારના આ પરમાર્થી સેવકાર્યની ઉપસ્થિત સમુદાયે સરાહના કરી હતી. આ સેવાકીય કાર્યકમના માધ્યમથી સ્થળ ઉપર મળેલા દાનની રાશિનો આંક અંદાજીત 10 લાખ રૂપિયા થયો હતો. ડિજિટલ પેમેન્ટ અને દાનની ઘોષણા કરનારા લોકોનો આંકડો અલગથી રહેશે. આમ કુલ મળીને મોટી અને નોંધપાત્ર રકમ ગાયો માટે એકત્ર કરાઈ હતી.
લિમ્કા બુકમાં અગાઉ નામ અંકિત કરનારા મૂળ માંડવીના વતની અને હાલે ભુજ રહેતા શૈલેષ ચમનલાલ જાની આ અગાઉ દેશ , દેશના સૈનિકો, ગાયો, કલાકારો અને વિવિધ ધાર્મિક સ્થળો માટે આ રીતે નોબત વાદન કરી ચુક્યા છે. અખંડ નોબત વાદનના સમાપન નિમિતે જાણીતા કલાકાર ઓસમાણ મીરના પરિવારના અબ્દુલ્લભાઈ અને અલ્ફાઝભાઈ હાજર રહ્યા હતા. ઓસમાણ મીર દ્વારા મોટી રકમના દાનની જાહેરાત કરાઈ હતી. દશેય દિવસ ધૂલ્લા ઉસ્તાદ લંઘા અને આબીદ ઉસ્તાદ લંઘા સહયોગી બનીને સેવામાં રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દેવલમાં જીવદયા સમિતિના વસંત અજાણીએ કર્યું હતું