આગલા વર્ષની તુલનાએ 20 ટકાનો વધારો , ભુજ અને અંજાર કચેરીમાં નોંધણીનો સર્જાયો નવો વિક્રમ
કચ્છ જિલ્લામાં બે અને ચાર પૈડાવાળા સહિતના વાહનોના વેંચાણના ક્ષેત્રમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. ચાલુ વર્ષ 2026ના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના પ્રથમ 10 મહિનામાં ભુજ અને અંજાર આર.ટી.ઓ. કચેરીમાં 87,604 નવાં વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું છે. ગત વર્ષમાં આ સમયગાળામાં નોંધાયેલા 72,982 વાહનોની સરખામણીએ આ વર્ષે આશરે 20 ટકા જેટલો વધારો નોંધાયો હોવાના આંકડા બહાર આવ્યા છે.
જાહેર થયેલા આંકડા મુજબ, ભુજ આર.ટી.ઓ. કચેરીમાં 42,517 જ્યારે અંજાર ખાતેની કચેરીમાં 45,087 વાહનોનું રજિસ્ટ્રેશન આ દશ માસમાં થયું છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ ભુજમાં 6,363 અને અંજારમાં 6,117 મળીને કુલ 12,480 નવા વાહનો નોંધાયાં છે. દિવાળીના તહેવારને પગલે આગામી દિવસોમાં વાહનોની ખરીદીમાં હજુ વધારો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.
ભુજ કચેરીમાં નોંધાયેલા વાહનોમાં 37,572 નોન-ટ્રાન્સપોર્ટ અને 4,945 ટ્રાન્સપોર્ટ વાહનોનો સમાવેશ થાય છે. નોન-ટ્રાન્સપોર્ટ વાહનોમાં 26,743 દ્વિચક્રી, 8,027 કાર અને 2,151 ટ્રેક્ટર સહિતનાં વાહનોની સતાવાર નોંધણી થઈ છે.
જ્યારે અંજાર સ્થિત કચેરીમાં 45,087 વાહનો નોંધાયાં છે, જે ગત વર્ષના 37,782 વાહનો કરતાં નોંધપાત્ર માત્રામાં વધુ છે. આ કચેરીમાં 37,873 નોન-ટ્રાન્સપોર્ટ અને 7,214 ટ્રાન્સપોર્ટ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં 5,965 ગુડ્સ કેરિય વાહન પણ સામેલ છે.
વાહનોની ખરીદીમાં નવી ટેક્નોલોજી તરફ પણ કચ્છીઓનો ઝુકાવ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કુલ 36,806 વાહનો E-20 પેટ્રોલ આધારિત નોંધાયાં છે. જેમાં ભુજમાં 16,298 અને અંજારમાં 20,508 વાહનોનો સમાવેશ થાય છે. ભુજમાં 1792 ઇલેક્ટ્રિક વાહનો અને 2,458 પેટ્રોલ E-20+CNG વાહનો પણ નોંધાયાં છે. જ્યારે અંજારમાં 11,906 ડીઝલ અને 200 સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું છે. પેટ્રોલ અને ડીઝલ વાહનોની સાથે પ્યોર ઇલેક્ટ્રિક, E-20 અને સ્ટ્રોંગ હાઇબ્રિડ જેવી નવી ટેક્નોલોજીનાં વાહનો તરફ વધતા વલણ સાથે કચ્છના ઓટોમોબાઇલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવું સંલગ્ન સૂત્રો જણાવી રહ્યા છે

