ભુજમાં શાળા પાસે શિક્ષિકા પત્ની પર છરીથી હુમલો : પતિ સામે ફરિયાદ

પતિના ત્રાસથી એક મહિનાથી માતા-પિતાના ઘરે રહેતી પરિણીતા સાથે નોકરીએ આવતી વેળાએ બન્યો બનાવ

ભુજમાં શાળા નજીક પત્ની પર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પતિ સામે ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પતિના અવારનવારના ઝઘડા અને મારપીટથી કંટાળીને છેલ્લા એક મહિનાથી માતા-પિતાના ઘરે રહેતી પરિણીતાએ પોતાના પતિ સામે આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર મૂળ ભુજના માલાણી ફળિયામાં રહેતી અને હાલ અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં માતા-પિતાના ઘરે રહેતી 38 વર્ષીય પ્રિયંકા રાજગોર ભુજની ગીતા કોટેજ ખાતે આવેલી હોપ ફાઉન્ડેશન સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેના લગ્ન 13 વર્ષ પહેલાં દર્શન દીપકભાઈ રાજગોર સાથે થયા હતા. ફરિયાદીના ફરિયાદમાં લખાવ્યા મુજબ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતો અને મારપીટ કરતો હોવાથી તે છેલ્લા એક મહિનાથી અલગ રહે છે. દરમ્યાન ગત 28 ઓક્ટોબરના અંજારથી નોકરીએ આવવા ભુજ પહોંચ્યા ત્યારે સ્કૂલ નજીક પતિ દર્શન મળી આવ્યો હતો. પતિએ ઘરે પરત આવવાનું કહેતાં તેમણે ઇનકાર કર્યો હતો. આથી પતિએ ગાળાગાળી સાથે મારપીટ શરૂ કરી હતી અને છરી કાઢી હુમલો કર્યો હોવાનું લખાવાયું છે. પ્રિયંકાની ફરિયાદના આધારે પોલીસે દર્શન દીપકભાઈ રાજગોર સામેં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.