જમ્પ સ્ટાર્ટ ટેક્નિકથી જન્મેલા ઘોરાડ બચ્ચાની નર તરીકે ઓળખ

કચ્છ પશ્ચિમ વન વિભાગ માટે અતિસંકટગ્રસ્ત પક્ષી પ્રજાતિ ગ્રે્રટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ માટે હાથ ધરાયેલા વૈજ્ઞાનિક પ્રયાસોમાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે
અબડાસાના નલિયા વિસ્તારના ગ્રાસલેન્ડમાં ‘જમ્પ સ્ટાર્ટ ટેક્નિક’ દ્વારા તા. ૨૧ મે, ૨૦૨૬ ના ઘોરાડના બીજા બચ્ચાનો સફળતાપૂર્વક જન્મ થયો હતો. આ બચ્ચું સૌપ્રથમ ૨૪ મે, ૨૦૨૬ ના રોજ કુદરતી આવાસમાં જોવા મળ્યું હતું. હાલમાં તે ૧૫૦ દિવસથી વધુ સમયથી કુદરતી વાતાવરણમાં સફળતાપૂર્વક જીવિત રહીને સ્વતંત્રપણે વિચરણ કરી રહ્યું છે.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોના મૂલ્યાંકન અને શારીરિક લાક્ષણિકતાઓના આધારે આ બચ્ચાની ઓળખ નર ઘોરાડ તરીકે કરવામાં આવી છે ઓળખના શારીરિક લક્ષણોમાં માથાના ઉપરના ભાગમાં રાખોડી પીંછાંનો અભાવ અને ઘેરો કાળો રંગ, પ્રમાણમાં જાડી ગરદન તેમજ પગની રચના જેવા લક્ષણોથી તે નર હોવાની પુષ્ટિ થઈ છે ઘોરાડની વસતિ અત્યંત ઓછી હોવાથી કુદરતી આવાસમાં નર બચ્ચાનો સફળતાપૂર્વક વિકાસ થવો એ ભવિષ્યમાં આ પ્રજાતિની વસતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં અતિ મહત્વપૂર્ણ છે. ઘોરાડ ખુલ્લા ઘાસના મેદાનોમાં રહીને તીડ, ભમરા અને અન્ય કીટકો પર પ્રાકૃતિક નિયંત્રણ રાખે છે. તથા ઘાસમેદાનની ખાદ્યશૃંખલા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.