પીવા માટે ન પૂછતાં યુવકને છરીના ઘા ઝીંક્યા

ભુજમાં ભીડ ગેટ પાસે ચાની હોટલે યુવક પર હુમલો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભુજ શહેરમાં નજીવી બાબતે હિંસક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ભીડગેટ પાસે આવેલી ચાની હોટલ પર મિત્રો સાથે બેઠેલા 24 વર્ષીય યુવકને દારૂની બોટલ પીવા માટે ન અપાતાં અલ્તાફ ઉર્ફે પંચર નામના ઇસમે શાહબાઝ સંગાર નામના યુવકને પેટમાં છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે ભીડ નાકા ભઠારા ફળિયા વિસ્તારમાં પટાવાળી મસ્જિદ સામે રહેતા અને મજૂરીકામ કરતા શાહબાઝ જાકબ સંઘાર (ઉ.વ. 24)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, સોમવારે સાંજે તેઓ ચા પીવા માટે ભીડ ગેટ પાસે હોટલે ગયા હતા. ત્યાં તેમના મિત્રો ઈરફાન કુંભાર, વકાર પીંજારા અને સલીમ કુંભાર પહેલેથી હાજર હતા. દરમિયાન વકાર પીંજારાએ પોતાની રિક્ષામાંથી દારૂની બોટલ કાઢી હતી. તેણે પ્રથમ ઘૂંટડો પીધા બાદ ઈરફાન કુંભારને બોટલ આપી હતી. ઈરફાને પણ ઘૂંટડો પીધા બાદ બોટલ શાહબાઝને આપી હતી. આ સમયે દાદુપીર રોડ પર રહેતો અલ્તાફ ઉર્ફે પંચર ત્યાં આવ્યો હતો. શાહબાઝે તેને બોટલ પીવા માટે પૂછ્યું ન હતું. આ બાબતને મનદુઃખમાં ગાળાગાળી કરી છરીથી હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અલ્તાફ ઉર્ફે પંચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ પોલીસે જણાવ્યું હતું.