સેંકડો લોકોની હાજરીમાં બનેલા અને કાગળ ઉપર ન ચડેલા બનાવમા ડખો કરનારને હાઇફાઈ ગરબીમાંથી પાણીચું
ત્રણેક દિવસ પહેલા ભુજમાં નવરાત્રીમાં બબાલ સર્જનાર હાઇફાઈ વ્યવસાયી નવરાત્રીના ગાયક કલાકારએ શહેરના વોકળા ફળીયામાં માફી માંગતા હવે વિવાદ અંત ભણી જઇ રહ્યો છે. તો બીજીબાજુ સેડાતા સ્થિત વિલા ગરબીના આયોજકોએ પણ પોતાના નવરાત્રીના કલાકારોની ટીમમાંથી આ ગાયકને દૂર કર્યો હતો. જેથી પ્રકરણમાં હવે પોલીસ કે અન્ય કાર્યવાહી ભાગ્યે જ સંભવ છે. જો કે જાહેરમાં બનેલા આ ગંભીર બનાવે સમગ્ર કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી. તો અનેક સવાલો પણ ઉભા કર્યા છે.
ગાયક કલાકારએ વોકળા ફળીયામાં જઇ કરેલા કૃત્ય બાદના વિવાદો અને ચર્ચા વચ્ચે હવે આ મામલો કાયદાકીય પ્રક્રિયાથી દુર રહી આંતરીક રીતે પતી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આ કલાકારે ગીત ગાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેની સ્થિતી અને ગરબીના નિયમો આગળ ધરી આયોજકોએ તેને ગીત ગાતા અટકાવ્યો હતો.બસ પછી તો સમગ્ર ઘટનાક્રમમાં આખી ગરબી માથે લેવાઈ હતી.આયોજકો પર અપશબ્દોનો મારો અને બેફામ વાણીવિલાસ પણ થયો હતો. મામલો વાયુવેગે શહેરમાં ફેલાઇ ગયો હતો. જે વાત હાઇફાઈ ગરબીના આયોજકો સુધી પણ પહોંચી હતી. જે બાદ હવે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ થઇ છે.અને વિવાદથી અંતર રાખી મામલો અંદરખાને પુર્ણ કરાઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. દરમ્યાન વોકળાના મંચ પરથી પોતાની હરકતો અને નવરાત્રીમાં કરેલા કૃત્ય અંગે કલાકારે માફી માંગી હતી. આ સમયે કે વિડીયોગ્રાફી અને માઇકના ઇનપુટ બંધ કરી દેવાયા હતા.પરંતુ સેંકડો લોકોની હાજરીમાં પોતાની ભુલ સ્વીકારી લોકો તથા આયોજકોની માફી કલાકારે માંગી હતી. બીજી તરફ આ વિવાદથી ગરબીની બદનામી ન થાય અને વિવાદથી અંતર બનાવવા માટે વ્યવસાયી આયોજકોએ પણ તેને નવરાત્રીના કલાકારોની યાદીમાંથી બહાર કાઢ્યો હતો. તેવી વિગતો બહાર આવી રહી છે.

