તંત્રોની કાર્યવાહી બેશકપણે આવકાર્ય–ઉપયોગી પણ મૂળ માથાઓ સુધી પહોંચવું એટલું જ આવશ્યક
રાપર અને ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી સહિતના ખનીજ તત્વોનુ ગેરકાયદે ઉતખનન કરતા હિટાચી અને ટ્રકોને ઝડપી મદદનીશ કલેકટરની ટીમે શુક્રવારે ફરી મોટો સપાટો બોલાવ્યો છે. અલબત્ત આવા કિસ્સાઓમાં તંત્ર આ ખનીજ ચોરી કોના દ્વારા કરવામાં આવતી હતી તેની માહિતી ભાગ્યેજ બહાર લાવી શક્યું છે. આ સ્થિતિમાં કાર્યવાહી બાદની કરાયેલી ઉંડાણપુવર્કની તપાસની માહિતી સામે આવે અને આવું કરાવનારા મૂળ અને મોટા માથાઓને પાધરા કરવામાં આવે તે એટલું જ જરૂરી બન્યું છે.
કચ્છમાં બેખોફ, બેફામ અને લગભગ બેલગામ બની ચૂકેલા ખનીજ માફીયાઓ તંત્રના કાર્યવાહી વચ્ચે પણ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. તંત્રના ધ્યાને આવે છે ત્યારે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પંરતુ આમછતાં કચ્છના અનેક વિસ્તારમાં સુનિયોજીત રીતે ખનીજ ચોરી થતી રહી છે અને અત્યારે પણ થઈ હોવાની ફરીયાદો ઉઠી છે. જો કે કચ્છમાં હવે આ જાણે સામાન્ય વાત બની ગઇ છે. તેવું સામાન્ય માણસ પણ કહી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ફરી એકવાર શુક્રવારે કલેકટરની સુચનાના પગલે અભિષેક ટાલે ( આઇ.એ.એસ. , મદદનીશ કલેકટર ભચાઉ )તથા મામલતદાર એમ.કે. રાજપૂત(ભચાઉ) ,મામલતદાર એચ.બી.વાઘેલા (રાપર) અને ખાણ-ખનીજ વિભાગ અને આર.ટી.ઓ.ની સંયુકત ટીમ દ્વારા ભચાઉ અને રાપર તાલુકામાં કરાતા ગેરકાયદેસર ખનન અને પરીવહન અન્વયે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે ૨ એકરમાં ખનન કરતા ૨ હિટાચી, ૩ ટ્રક, રાપર ખાતેથી ગેરકાયદેસર ખનીજનુ વહન કરટી ૧૩ ટ્રક, જાટાવાડા ખાતે ખનન સાઇટ ઉપરથી એક ટ્રેકટર કમ લોડર, સુરજબારી ટોલપ્લાઝા પાસેથી રોયલ્ટી વગરની ચાર ટ્રક તથા ૧૫ ઓવરલોડ ટ્રક તથા આઘોઇ ખાતેથી ૧ હિટાચી સીઝ કરવામાં આવ્યુ હતુ.ઓવર લોડ વાહનો અંગે આર.ટી.ઓ.ને સાથે રાખી સ્થળ પર જ દંડની કાર્યવાહી પણ હાથ ઘરવામાં આવી હતી અને રૂા.૩,૬૦,૦૦૦/-ની સ્થળ પર જ દંડની કાર્યવાહી થઈ હતી. ઉપરાંત લોદ્રાણી ખાતે ગેરકાયદેસર ખનનના સ્થળે આગળની કાર્યવાહી કરવા માટે ખાણ ખનિજ વિભાગની ટીમને જરૂરી સુચના આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂપિયા ૮ કરોડનો મુદામાલ જપ્ત કરી વાહનો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડની કાર્યવાહી અર્થે નજીકના પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબ્જો સોપવામાં આવ્યો હતો.
દરમ્યાન શુક્રવારે કરવામાં આવેલી આ મોટી સંયુક્ત કાર્યવાહી ખનિજની ચોરી કરનારાઓ માટે બેશક જબબર ફટકા સમાન અસરકર્તા બની રહેશે. પણ સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે કચ્છમાં સમયાંતરે ખનીજ ચોરીનો પ્રદાર્ફાસ થાય છે.પરંતુ લાખો કરોડોના સાધનો સાથે ડ્રાઇવરને પકડાયાનુ દર્શાવી વધુ તપાસ હેઠળ કાર્યવાહીનુ રટણ કરાય છે પણ તે પછી પોલીસ હોય કે પછી ખાણખનીજ વિભાગ મૂળ સુધી પહોંચવામાં હજુ સરસરી નાકામ રહ્યા છે. જેના કારણે કાર્યવાહીની જાળમાં નાની નાની માછલીઓ જ ફસાય છે પરંતુ મગરમછો ઝપટમાં આવતા નથી. અહીં ખરેખર સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી માત્રામાં ખનીજ ચોરી શુ ડ્રાઇવરો કરતા હતા ? . ખરેખર તેની પાછળ કોણ છે., કોની શુ ભુમિકા છે તેની તપાસ થતી નથી તેવો ગણગણાટ ફરી એકવાર ઉભો થયો છે. માત્ર નાણાકીય દંડ ભરીને પડદા પાછળના વાઇટ કોલર અસલી જવાબદાર વ્યક્તિઓ છટકી જાય છે. તેવુ જાણકારો અને અનુભવીઓ કહી રહ્યા છે. હાલમાં જ ભચાઉના નારણસરીની સીમમાં બિનખેતી પરવાનગી વિના ચાલતા ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પરંતુ આખો પ્લાન્ટ કોણે ઉભો કર્યો તેની કોઇને જાણે હજુ ખબર જ નથી. ૨ એકરમાં ખનનની પ્રવૃતિ કોણ કરતુ હતુ તેની વિગત સુધ્ધા હજુ સતાવાર રીતે બહાર આવી નથી. જો કે અત્યાર સુધીની યાદી જોતા એટલુ સ્પષ્ટ થાય છે. કે વાહનના ચાલકો સિવાય મોટાભાગના મામલામાં તંત્રએ કામગીરીની યાદી પ્રસિધ્ધ કરી ખનીજચોરોને ખુલ્લા પાડવામાં ” ઘૂંઘટો ” જ કાઢ્યો છે. દીવા જેવી સાફ વાત છે કે ડ્રાઇવરો તથા અન્ય નાના જવબાદારોની હિંમત નથી કે આટલુ સાહસ તેઓ કરી શકે. ખેલ પાછળના ચહેરાઓ બેનકાબ મોટેભાગે થતા નથી. પરિણામે કચ્છમાં ખનીજ ચોરી બેફામ જ રહી છે. તંત્ર દ્વારા કરતી કાર્યવાહી ચોક્કસ સરાહનીય છે.પરંતુ સ્થિતિ પર પૂર્ણ લગામ માટે તમામ ટીમો સ્યુક્ત રીતે કાર્યવાહીમાં મૂળ સુધી પણ ઉતરે તે જરૂરી છે. ખરેખર આવી મસમોટી ખનીજ ચોરીમાં સામેલ લોકોના નામ તંત્ર ખોલી નાખવામાં સફળતા મેળવે તે એટલુ જ જરૂરી છે.કલેકટરની સુચનાથી ખાણખનીજ વિભાગ કરે કે પ્રાન્ત અધિકારીઓ કે પછી પોલીસ કરે માત્ર કાર્યવાહી કરી તેની પ્રસિદ્ધિ કરવાથી આવી પ્રવૃતિ ક્યારેય અટકશે નહી. ખનીજ ચોરીમાં કરોડો રૂપીયાની મશિનરી લગાવી બેફામ ખોદખમ ખનન કરતા અસલી આકા સમાન ખનીજ ચોરો કોણ કોણ છે. તેના નામ ખુલ્લા પડશે ત્યારે તેના પર અંકુશ આવશે. તેવું તજજ્ઞો કહી રહ્યા છે.

