નવા કેન્દ્રનો રાજ્યમંત્રી, ધારાસભ્યયોની ઉપસ્થિતિમાં શરૂ
ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે શુક્રવારે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત માત્ર રૂ. ૫માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં, શ્રમિકોના સ્વાસ્થ્યવર્ધન માટે સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ લાભ અપાય છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને કેન્દ્ર પર લઈ જવાનું હોય છે. અંજાર ખાતે નવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ, શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામમાં સુંદરપુરી પાણીની ટાંકી પાસેના કડીયાનાકા ખાતે તો ભુજ શહેરમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થાનિક મહાનુભાવોએ આદિપુર અને રાપર ખાતેના કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.

