મિત્રની સ્મૃતિમાં મિત્રની રક્તદાન કેમ્પ રૂપે મીત્રાંજલી

પત્રીના સરપંચ ભરતભાઈ આહીરએ જન્મદિવસે યોજ્યો સેવાકીય કાર્યક્રમ

મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં સરપંચ ભરતભાઈ વાલજીભાઈ આહીરના જન્મદિવસ નિમિત્તે શહીદવીર પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાની સ્મૃતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. શહીદવીર પૃથ્વીરાજસિંહ જાડેજા પોતાના જન્મદિવસે અચૂક રક્તદાન કરતા હતા. અને પોતાના મિત્રવર્તુળ તથા સ્નેહીજનોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરતા હતા. તેમની આ સેવાભાવી પરંપરાને આગળ ધપાવવાના હેતુથી તેમના પરમ મિત્ર અને પત્રી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ વાલજીભાઈ આહીરે પોતાના જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડીને આ રક્તદાન કેમ્પ યોજવા સાથે મીત્રાંજલી અર્પણ કરી હતી.
૨૧ ઓક્ટોબરના સવારે વી. એલ. કાપડિયા હોસ્પિટલ, પત્રી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાનો, મિત્રો, સ્નેહીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, હેમંતભાઈ મહેશ્વરી (ડેલિગેટ, તાલુકા પંચાયત મુંદરા), બેરાજા ગામના સરપંચ લાલુભા જાડેજા, ગજોડ ગામના સરપંચ સોમભા જાડેજા, બળુભા જાડેજા (પૂર્વ ડેલિગેટ, તાલુકા પંચાયત ભુજ), વાંકી ગામના સરપંચ ભરતસિંહ જાડેજા, આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના અનિરુદ્ધસિંહ જાડેજા (વિરાણિયા), દિલીપસિંહ ચાવડા (ધુફી), મયુરસિંહ જાડેજા (ટપ્પર), રાહુલસિંહ જાડેજા (નવીનાળ), નિર્મલસિંહ જાડેજા (નવીનાળ), રવિરાજસિંહ જાડેજા (નવીનાળ), મહાવીરસિંહ જાડેજા (ડેપા), ઘનશ્યામસિંહ જાડેજા (મોટા કાંડાગરા) અને જીતુભા જાડેજા (મુંદરા) તથા દિલીપસિંહ દાદા તુંવર (ફરાદી) સહિતના જોડાયા હતા. શહીદવીર પૃથ્વીરાજસિંહ જાડેજા અને સરપંચ ભરતભાઈ આહીરના સ્નેહીજનો, મિત્રવર્તુળ તથા પત્રી ગામના ગ્રામજનો આ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.
આયોજનમાં વી. એલ. કાપડિયા હોસ્પિટલના ડૉ. હરિહર તથા સર્વોદય સમાજ, પત્રીના ટ્રસ્ટીગણનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. રક્તદાન એ માનવતાનું મહાન કાર્ય છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને રક્તની જરૂર પડે ત્યારે રક્તદાતા તેના માટે જીવનદાતા બની શકે છે. આ ભાવનાને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને માનવસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.