2,276.06 કરોડના ખર્ચે ટર્મિનલનું નિર્માણ થશે; વાર્ષિક 18.33 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા રહેશે
કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા તુણા ટેકરા ખાતે મલ્ટી-પર્પઝ કાર્ગો ટર્મિનલના વિકાસ માટે એસ્સાર પોર્ટ્સ લિમિટેડને બુધવારે લેટર ઓફ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ધોરણે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ માટે 30 વર્ષનો કન્સેશન સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના દરિયાઈ માળખાકીય વિકાસને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં એસ્સાર પોર્ટ્સ લિમિટેડ સૌથી ઊંચી બોલી લગાવનાર કંપની બની હતી. કંપનીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીને પ્રતિ ટન રૂ. 61 રોયલ્ટી ચૂકવવાની ઓફર આપી છે. આ ટર્મિનલનું નિર્માણ તુણા ટેકરા ખાતે DP વર્લ્ડ દ્વારા PPP મોડ હેઠળ વિકસાવવામાં આવી રહેલા મેગા કન્ટેનર ટર્મિનલની પૂર્વ બાજુએ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પોર્ટની વિવિધ પ્રકારના કાર્ગોનું હેન્ડલિંગ કરવાની ક્ષમતા વધશે તેમજ દેશના સ્થાનિક અને આયાત-નિકાસ વેપારને વેગ મળશે.
આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ દ્વારા એસ્સાર પોર્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ટિકલના ઓપરેટિંગ પાર્ટનર વી. શ્રીનિવાસન અને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ રાજગઢિયાને લેટર ઓફ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને એસ્સાર પોર્ટ્સ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસ્તાવિત મેગા ગ્રીનફિલ્ડ ટર્મિનલની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 18.33 મિલિયન ટન એટલે કે 1.833 કરોડ ટન રહેશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,276.06 કરોડ છે. જેમાંથી રૂ. 1,552.57 કરોડનું રોકાણ કન્સેશનર કંપની દ્વારા અને રૂ. 723.49 કરોડનું રોકાણ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. આ ટર્મિનલમાં કુલ ચાર બર્થ બનાવવામાં આવશે. દરેક બર્થની લંબાઈ 300 મીટર રહેશે, જેથી કુલ બર્થ લંબાઈ 1,200 મીટર થશે. અહીં 1,70,000 DWT સુધીની ક્ષમતા ધરાવતા વિશાળ કેપ-સાઇઝ જહાજોને સમાવવાની વ્યવસ્થા રહેશે. ટર્મિનલમાં 18 મીટર સુધીના ડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ ટર્મિનલની વ્યાપારી કામગીરી વર્ષ 2031 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
પ્રોજેક્ટ અંતર્ગત દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા એક્સેસ ચેનલ, બર્થ પોકેટ્સ અને ટર્નિંગ સર્કલના ડ્રેજિંગ સહિતની સામાન્ય માળખાકીય સુવિધાઓ તેમજ કોમન એપ્રોચ રોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આધુનિક કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ અને ઊંડા ડ્રાફ્ટની સુવિધાને કારણે કામગીરીની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. હાલમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની હાલની ડ્રાય-કાર્ગો બર્થનો ઉપયોગ 90 ટકાથી વધુ છે, જ્યારે આદર્શ સ્તર 70 ટકા દર્શાવવામાં આવ્યું છે. નવા ટર્મિનલથી હાલની બર્થ પરનું ભારણ ઘટશે અને કાર્ગો હેન્ડલિંગની કામગીરી વધુ સરળ બનશે. મોટા કદનાં જહાજોનો ઉપયોગ શક્ય બનવાથી પરિવહન વધુ કાર્યક્ષમ બનશે તથા માલવહન અને ઇંધણના ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના છે. માર્ગ અને રેલવે નેટવર્ક સાથેની કનેક્ટિવિટીથી માલની હેરફેર ઝડપી અને ખર્ચની દૃષ્ટિએ વધુ અસરકારક બનશે. આ સુવિધાઓ ભારતીય નિકાસની સ્પર્ધાત્મકતા વધારવામાં પણ મદદરૂપ થશે. તેવી વિગતો આ પ્રસંગે અપાઈ હતી.
દરમ્યાન આ પ્રોજેક્ટથી કચ્છ અને ગુજરાતમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને અન્ય આનુષંગિક સેવાઓ જેવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીને મળનારી રોયલ્ટીની આવક ઉપરાંત આર્થિક પ્રવૃત્તિઓ અને કરવેરાની આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. આયોજન, બાંધકામ અને કામગીરી દરમિયાન પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અને ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણીય અસરો ઘટાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન અને પોર્ટ આધારિત આર્થિક વિકાસની દિશામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાનો આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે. આ ટર્મિનલથી ગુજરાતમાં દરિયાઈ વેપાર, પરિવહન વ્યવસ્થા અને પ્રાદેશિક આર્થિક વિકાસને વધુ મજબૂતી મળશે. તેવી આશા રખાઈ રહી છે.

