પ્રદૂષણનો મુદ્દો ગરમાયો, મંજૂરીની શરતો ભંગની તપાસ કરી એકમ બંધ કરાવવા માટે માંગ
મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે ભુજ-મુન્દ્રા હાઇવે પર કાર્યરત મે. એન્વારી ગ્લોબલ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. સામે પ્રદૂષણ અને પર્યાવરણીય મંજૂરીઓની શરતોના ભંગ સહિતના આરોપો અને ફરિયાદો અંગે બેરાજા, બોચા તથા આસપાસનાં સાતેક ગામના રહેવાસીઓ અને ખેડૂતોએ રાજ્ય સરકાર, પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કચ્છ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કંપની દ્વારા મંજૂરી વિના ઉત્પાદન શરૂ કરાયું હોવાની આશંકા, પ્રદૂષણ નિયંત્રણની અધૂરી વ્યવસ્થા, જોખમી કચરાના નિકાલ અને પાણીના વપરાશના આંકડાઓમાં વિસંગતતા સહિતના મુદ્દે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે દેખાવકર્તા સમુહએ ગુરુવારે જિલ્લા મથકે આવેદનપત્ર આપવા સહિતનો કાર્યક્રમ યોજ્યો હતો.
રજૂઆતમાં જણાવાયા મુજબ, કંપની વપરાયેલી લેડ-એસિડ બેટરી અને લેડના ભંગારમાંથી સીસું તથા સીસાની મિશ્રધાતુ બનાવવા ઉપરાંત પ્લાસ્ટિકનું પુનઃપ્રક્રિયાકરણ અને તાંબુ-એલ્યુમિનિયમ ગાળવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. આવી પ્રક્રિયાઓથી ભારે ધાતુઓ, એસિડ, ધૂળ-રજકણો, ધુમાડો અને જોખમી કચરો ઉત્પન્ન થવાની સંભાવના હોવાથી આસપાસના લોકોના આરોગ્ય, ખેતી, પશુધન અને પીવાના તથા સિંચાઈના પાણી પર અસર થાય તેમ હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે.
ઉત્પાદન ક્ષમતા અને જોખમી કચરાના પ્રમાણ અંગેની મંજૂરીઓમાં મોટા તફાવતો હોવાનો મુદ્દો પણ રજુઆતમાં ઉઠાવાયો છે. લેડ ધરાવતા કચરાના વાર્ષિક જથ્થા, તેના સંગ્રહ અને નિકાલ તથા રિસાયક્લિંગ માટે મોકલાયેલા કચરાની વિગતોની મૂળ રેકોર્ડના આધારે તપાસ કરવા અને લિથિયમ સંબંધિત પ્રવૃત્તિઓ માટે જરૂરી મંજૂરીઓ છે કે નહીં અને સ્થળ પર વાસ્તવમાં કઈ સામગ્રીની પ્રક્રિયા થાય છે તેની સ્વતંત્ર ચકાસણીની પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
પર્યાવરણીય મૂલ્યાંકન અહેવાલમાં બોચા ગામનું અંતર આશરે ૧.૨ કિલોમીટર અને કુદરતી નાળાનું અંતર ૬૦ મીટર દર્શાવાયું હોવાનો ઉલ્લેખ કરી રજૂઆતમાં જણાવાયું છે કે, ઉપલબ્ધ માહિતી મુજબ સુરઈ નદીની શાખા કંપનીના એકમથી આશરે ૩૦ મીટરના અંતરે પસાર થાય છે. આથી જળસ્ત્રોતોની વાસ્તવિક સ્થિતિ અને કંપની દ્વારા રજૂ કરાયેલી વિગતોની સ્થળ તપાસ કરવી જરૂરી હોવાનું જણાવી મંજૂરી અને ઉત્પાદનના આંકડાઓની તપાસ માગી કંપનીને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી અને સંચાલન સંમતિની શરતોનું પાલન થયું છે કે નહીં,તેમજ ઉત્પાદન કઈ તારીખથી શરૂ થયું અને તે સમયે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાઓ કાર્યરત હતી કે નહીં તેની તપાસ કરવા રજૂઆતમાં ભાર મુકવામાં આવ્યો છે કંપની દ્વારા દર્શાવાયેલા પાણીના વપરાશ, ગંદા પાણીના ઉત્પાદન અને પુનઃવપરાશના આંકડાઓમાં વિસંગતતા હોવાનો મુદ્દો રજૂઆતમાં સામેલ કરાયો છે. પાણીના મીટર, બિલ, પાણીના સ્ત્રોત અને ભૂગર્ભજળ ઉપાડવા અંગેની મંજૂરીઓની તપાસ કરવાની માંગ સાથે ગંદા પાણીનો નિકાલ ક્યાં અને કેવી રીતે થાય છે તેની પણ ચકાસણી કરવા સહિતના મુદ્દાઓ ટાંકી આ રજુઆતમાં પ્રદૂષણ નિયંત્રણની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી કંપનીની ઉત્પાદન પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા, વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરવા કાયદેસર નિર્દેશો આપવા માંગ કરાઈ છે.

