દાણચોરી અને દેશવિરોધી પ્રવૃત્તિ સામેની કાયદાકીય લડતના “યોદ્ધા”ની ચીરવીદાય

વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભુજના રત્નાકરભાઈ ધોળકીયાનું જૈફ વયે અવસાન

સોના અને ચાંદી તથા હથિયારો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી માટે કચ્છ જ્યારે સ્વર્ગ સમાન ગણાતું હતું તેવા સમયે દાણચોરો અને રાષ્ટ્ર માટે નુકશાનકર્તા તત્વો સામે રીતસરની ઝુંબેશ જેવી કાનૂની કામગીરી કરનારા ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ જાદવરાય ધોળકિયાનું ગુરુવારે અવસાન થયું હતું. તેમની વય 87 વર્ષની હતી.
ભુજના રહેવાસી અને વડનગરા નાગર જ્ઞાતિના અગ્રણી એવા એડવોકેટ આર.જે. ધોળકિયાએ પુરબહાર દાણચોરીના એ જમાનામાં પોલીસ અધિકારીઓ શ્રીકુમાર, કુલદીપ શર્મા, અનિલ પ્રથમ, હાલના રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, તત્કાલીન ઇન્સ્પેકટર એવા નિવૃત નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. અગ્રાવત સહિતના અમ્લદારોના કાર્યકાળ દરમિયાન દાણચોરો અને રાષ્ટ્રને નુકસાન કરતા તત્વો સામે કાયદાકીય રીતે અત્યંત નોંધનીય કાર્ય કર્યું હતું. આ દરમિયાન તેમણે આર.ડી.એક્સ. સહિતના અનેકવિધ કેસમાં શિક્ષાત્મક કાર્યવાહી સુધીનું પરિણામ પણ મેળવ્યું હતું. તેમની આ કામગીરીને લઈને તેમના ઉપર હુમલા સહિતની ઘટનાઓ પણ બની હતી. ભુજમાં મહાદેવ નાકા વિસ્તારમાં તેમના ઉપર સરાજાહેર થયેલો હુમલો બહુ ગાજયો હતો.
આજીવન વકીલાતનો વ્યવસાય કરનારા રત્નાકરભાઈએ પોલીસ ઉપરાંત કસ્ટમ અને ડી. આર.આઈ. સહિતની એજન્સીઓ માટે ખાસ સરકારી વકીલ સહિતની સેવાઓ આપી હતી .જે માત્ર કચ્છ માટે જ નહીં પણ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે જાણીતી બની હતી.
ગુરુવારે ભુજ ખાતે. તેમનું અવસાન થતાં વકીલ આલમ, નાગર જ્ઞાતિ, તેમના મિત્રો, સ્નેહીજનો અને પ્રશંસકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. રત્નાકરભાઈ દ્વારા તેમના વકીલાતના કાર્યક્ષેત્રના અનુભવોને કેન્દ્રમાં રાખીને સીમાલક્ષી ગુનાખોરી, દાણચોરી અને દેશવિરોધી પ્રવૃત્તિ સહિતના કેસોને કેન્દ્રમાં રાખીને લખેલા સ્વઅનુભવો કચ્છના અગ્રણી દૈનિક વર્તમાનપત્ર કચ્છમિત્રમાં સરહદી કચ્છની સળગતી સમસ્યાઓ નામની કોલમ સ્વરૂપે પ્રસારિત થયા હતા. આ પછી આ જ નામ સાથે તેમનું પુસ્તક પણ બહાર પડાયું હતું.
સ્વ. રત્નાકરભાઈના અવસાનથી શોકની લાગણી ફેલાઇ છે. વિવિધ ક્ષેત્ર અને વર્ગના લોકો, અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યો, સેવાઓને યાદ કર્યા હતા. ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને નોટરી વિમલભાઈ જે. મહેતાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની વિદાયથી બાહોશ, નીડર અને પ્રમાણિક વકીલરત્ન ગુમાવવા સાથે આ ક્ષેત્ર રાંક બન્યું છે. ભુજ વડનગરા જ્ઞાતિના અધ્યક્ષ અતુલભાઈ મહેતા, જ્ઞાતિ સંલગ્ન સંસ્થાઓનાં અનિમેષ વોરા અને ભૌમિક વછરાજાની વગેરે હોદ્દેદારોએ પણ અંજલિ આપી હતી.