રાપરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી અવિરત

નગરપાલિકાએ ઝુંબેશ અંતર્ગત ૭૫૩ કિલો પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત

રાપરને સ્વચ્છ, સુંદર અને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાપર નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત નગરના વિવિધ વેપારી મથકો અને વિસ્તારોમાં અવિરત ચેકિંગ હાથ ધરીને અંદાજે ૭૫૩ કિલો ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવહી કરવામાં આવી રહી છે. નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક મુક્ત રાપરના આ મહાઅભિયાનમાં નગરપાલિકાની ટીમે જોડાઈને કામગીરી કરી હતી. આ ટીમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખજી, સ્વચ્છતા માર્શલ શીતલબેન જામ, હેતુભા રાઠોડ, રાજેશભાઈ, ચંદ્રસિંહ, સંજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, કાનજીભાઈ, રાજદિપદાન, અર્જુનભાઈ, દીપાલીબેન, નિલેશભાઈ, શૈલેશ તથા પિન્ટુભાઈ સહિત અન્ય કર્મચારીઓ અને સ્વચ્છતા સૈનિકોએ યોગદાન આપ્યું હતું. પ્લાસ્ટિકના બદલે કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક નાબૂદી અંગેની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે દંડનીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું જણાવાયું હતું.