કોટડા ચાંદરાણી ગામે નંદ ઘરનું લોકાર્પણ

શેડના ખાતમૂહુર્ત સાથે આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ પણ કરાવાયો

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર તાલુકાના કોટડા ચાંદરાણી ગામની મુલાકાત લઈને જિલ્લા પંચાયત કચ્છ દ્વારા નવનિર્મિત નંદ ઘરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગામમાં શેડના કામનું ખાતમૂહુર્ત તેમજ ગ્રામજનોની સુખાકારી માટે આયોજિત આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ પણ કરાવ્યો હતો. રાજ્યમંત્રી શ્રી છાંગાએ કોટડા ચાંદરાણી ખાતે આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાવીને કેમ્પમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રી ત્રિકામભાઈએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કચ્છ સહિત ગુજરાતના ગામડાઓ સુખ સુવિધાઓથી સંપન્ન બની રહ્યા છે. સમરસતાને પાયાનો આધાર ગણાવીને તેમણે સંપ અને સહકારના ધ્યેય સાથે ગામના વિકાસકાર્યો કરવા સૂચન કર્યું હતું. દરમ્યાન કોટડા(ચાંદરાણી) ગામે નવનિર્મિત નંદ ઘરનું રાજ્યમંત્રીએ બાલિકાઓના હસ્તે લોકાર્પણ કરાવીને તેને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે નંદ ઘર પરિસરની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ નંદ ઘરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, પાયાનું શિક્ષણ નંદ ઘરથી જ બાળકોને પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને બિરદાવ્યો હતો. અગ્રણી હિરેનભાઈ રબારી, માયાભાઈ આહીર, સંદિપભાઈ ચાવડા, બી.એન.આહિર, વસંતભાઈ આહિર, દિપકસિંહ જાડેજા, રાજેશભાઈ બરાયા, કાનજીભાઈ આહિર, ગોપાલભાઈ વેરા, ભીમજીભાઈ ચાવડા, શામજીભાઈ બરાડિયા, આંબાભાઈ રબારી, નૌતમભાઈ ચૌહાણ, પ્રાગજીભાઈ, મહાવીરસિંહ જાડેજા સહિત વિવિધ ગામના સરપંચ, દાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.