ખીરસરા પાસે હોટલમાં ગાંજા સાથે ઝડપાયો

કોઠારા પોલીસની કાર્યવાહીમાં 27.060 ગ્રામ ગાંજો અને મોબાઇલ સહિત રૂ.6,353નો મુદ્દામાલ કબજે

અબડાસાના ખીરસરા (કોઠારા) ગામે નલિયા-કોઠારા હાઇવે પર આવેલી હરિયાણા હોટલ ખાતે કોઠારા પોલીસે બાતમીના આધારે રેડ પાડી 27.060 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગેની પોલીસ ફરિયાદ મુજબ કોઠારા પોલીસને બાતમી મળી હતી કે કોઠારામાં જાટ ધર્મશાળા પાસે રહેતો અનિલ ખ્યાલીયા પ્રભુરામ ચૌધરી (ઉ.વ.40) ખીરસરા બસ સ્ટેશનથી આગળ આવેલી હરિયાણા હોટલ પર ગાંજો લઈને બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રે આ દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન અનિલ ચૌધરીની પેન્ટના ખિસ્સામાંથી ક્રીમ કલરની થેલીમાં રાખેલી પારદર્શક પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. તેમાં લીલા-ભૂખરા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. એફ.એસ.એલ.ના સાયન્ટિફિક ઓફિસરએ સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરતાં પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વજનકાંટા પર તપાસ કરતાં ગાંજાનું ચોખ્ખું વજન 27.060 ગ્રામ નોંધાયું હતું, તેમ પોલીસે જણાવ્યું હતું. આ મામલે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગાંજો ક્યાંથી મેળવાયો તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.