રાપરમાં ૬.૪૮ લાખના દારૂ સાથે ફોર્ચ્યુનર કબ્જે

ત્રણ બુટલેગર સહિત ચાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી

પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો ૬.૪૮ લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાનપર ગામના સ્મશાન પાછળના ખેતરના રસ્તે પોલીસને જોઈ ફોર્ચ્યુનર કારનો ચાલક કાર ભગાવી ગયો હતો. પોલીસે પીછો કરતાં ચાલક ખેતરમાં કાર મૂકીને નાસી છૂટ્યો હતો. કારમાંથી દારૂની 4,808 બોટલ સહિત કુલ 14,48,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સફેદ ફોર્ચ્યુનર કાર દારૂ ભરી કાનપર ઉમૈયા સીમ વિસ્તારમાંથી ખેતરના રસ્તે પસાર થવાની હોવાની બાતમી મળી હતી. બાતમીવાળી ફોર્ચ્યુનર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે ભગાવી હતી. પોલીસે પીછો કરતાં ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.
6.48 લાખનો દારૂ અને 8 લાખની કાર જપ્ત કરાઈ હતી.
પોલીસે કારમાંથી પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ વ્હિસ્કીની 180 એમએલની 4,700 બોટલ, કિંમત તથા 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 750 એમએલની 108 બોટલ મળી કુલ 6,48,520નો દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફોર્ચ્યુનર કાર સહિત કુલ 14,48,520નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેવી વિગતો પોલીસ સાધનોએ આપી હતી.
આ કેસમાં રાપરના મનજી માવજી કોલી, પરબત દેવા ભરવાડ અને ફતેગઢના ગંગારામ વેરશી કોલી તથા ફોર્ચ્યુનર કારના ચાલક/માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.