કોલ લાયસન્સ વિના બોટમાં માછીમારી, ‘અલ બીલાલ’ના ટંડેલ સામે ફરિયાદ
અબડાસામાં જખૌ બંદર ખાતે માછીમારી બોટના નિયમભંગનો મામલો સામે આવ્યો છે. ‘અલ બીલાલ’ નામની બોટના ટંડેલે બોટનું કોલ લાયસન્સ સાથે રાખ્યું ન હોવા ઉપરાંત માછીમારી કરીને પરત ફર્યા બાદ ટોકનમાં પરત આવ્યાની એન્ટ્રી કરાવી ન હતી. એટલું જ નહીં, બોટના પાછળના ભાગે બંને બાજુ નામ અને રજિસ્ટ્રેશન નંબર પણ લખેલા ન હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. 23 ઓક્ટોબરના જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ મગનભાઈ રબારી સહિતનો સ્ટાફ જખૌ બંદર જેટી ખાતે બોટ ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન બોટ ‘અલ બીલાલ’ના ટંડેલની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નજીમભાઈ ઓસામણભાઈ ચવાણ હોવાનું જણાવ્યું હતું. તપાસમાં બોટની રવાના તારીખ 14 ઓક્ટોબર અને પરતની તારીખ 24 ઓક્ટોબર દર્શાવાઈ હતી. જોકે, ટંડેલના જણાવ્યા મુજબ તેઓ સવારે આશરે 8 વાગ્યે માછીમારી કરીને પરત આવી ગયા હતા અને માછલી પણ ઉતારી દીધી હતી. પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોની કલમ હેઠળ નિયમભંગ અંગે કાર્યવાહી કરી છે. ટંડેલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

