કચ્છ જિલ્લાની ૧૧ નવીન આરોગ્યલક્ષી સુવિધાનું ઈ-લોકાર્પણ

ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી સહિત કચ્છમાં ૨ PHC અને ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો ખુલ્લા મુકાયા

કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં કુલ ૧૧ આરોગ્યલક્ષી સુવિધાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી પટેલે અમદાવાદ ખાતેથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાઓમાં રાપર તાલુકાના સુવાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , કાનમેર અને કલ્યાણપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો , ભચાઉ તાલુકાના રતનપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, નખત્રાણા તાલુકાના કલ્યાણપર અને લક્ષ્મીપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, માંડવી તાલુકાના મોટા રતાડિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, ભુજ તાલુકાના રેહા અને દિનારા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરો, બેલા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનો સમાવેશ થાય છે.
ગાંધીધામ ખાતે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીના લોકાર્પણ ખાતે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લેબોરેટરીથી વિવિધ રોગોની તપાસ અને રોગચાળાની દેખરેખ માટેની વ્યવસ્થા મજબૂત બનશે. આ કાર્યક્રમમાં નાયબ મેયર નવીનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, દંડક સુરેશભાઈ ધુઆ, નાયબ કમિશનર ઉર્વિશ વાળંદ, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, મામલતદાર જાવેદ સિંધી અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી, ડૉ. કિશોર રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અમીન અરોરા, ડૉ. દિનેશ સુતરિયા અને ડૉ. હરીશ મટાણી હાજર રહ્યા હતા.
રાપર તાલુકાના સુવાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય અજિતસિંહ, સુવઈના ઉપસરપંચ મોહનભાઈ મહેશ્વરી, સામાજિક આગેવાન વાડીલાલ શેઠ, એડવોકેટ હરિભાઈ, તલાટી મિતેશભાઈ પટેલ, જેસડાના સરપંચ રાહુભા જાડેજા, ડૉ. ઉમંગ ચોપરા તેમજ પંચાયતના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે બેલા ખાતે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સ્થાનિક પદાધિકારીઓ, સરપંછો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. રાપર તાલુકાના કાનમેર અને કલ્યાણપર, ભચાઉના રતનપર તેમજ ભુજ તાલુકાના રેહા અને દિનારા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરોના લોકાર્પણ પ્રસંગે સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચો, પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. નખત્રાણા તાલુકાના કલ્યાણપર ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ રુડાણીના હસ્તે અને લક્ષ્મીપર ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય નેહાબેન રૂપારેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડવીના મોટા રતાડિયા ખાતે પણ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.