રાપર નગરપાલિકાની મેગા ડ્રાઈવ : ચાર ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો

રાપર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરીને આશરે ૪ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે રૂ. ૫૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેકિંગ અને દરોડામાં રાપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખજી ઠાકોર, સ્વછતા માર્શલ શીતલ બેન જામ, સુપરવાઈઝર ધરમેન્દ્ર સિંહ જાડેજા અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા નંદાસર રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકથી ભરેલા અનેક થેલાઓ અને બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આશરે ૪ ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ કરવા બદલ રૂ. ૫૦૦૦/- નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો છે.