કોંગ્રેસની બેઠકને લઈને નગર સેવા સદનમાં પોલીસ બોલાવાઈ, બુકિંગ વિના બેઠક યોજાઈ હોવાનો ભાજપનો આરોપ
માંડવી નગર સેવા સદન ખાતે શુક્રવારે બપોરે માંડવી શહેર કોંગ્રેસ અને માંડવી તાલુકા કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજવાને લઈને વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાના હોલમાં યોજાયેલી આ બેઠકની જાણ થતાં ભાજપના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ તથા કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી નગર સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પોલીસને બોલાવાઈ હતી. પોલીસે કોંગ્રેસના સભ્યોને કચેરીના હોલમાંથી નીચે ઉતારી બાદમાં છોડી મૂક્યા હતા.
નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે બેઠક માટે કોઈ પરવાનગી આપવામાં આવી નહોતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે હોલના બુકિંગ માટે અરજીની મંજૂરી, ભાડાની રકમની પહોંચ સહિતની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, નગર સેવા સદનમાં બેઠક માટે હોલ ભાડે રાખવા અરજી કરવામાં આવી હતી. મુખ્ય અધિકારી હાજર ન હોવાથી ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજીભાઈ પરમારે મૌખિક મંજૂરી આપી હતી. શહેરના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવા બેઠક યોજવામાં આવી હોવાનું કોંગ્રેસ તરફથી જણાવાયું હતું.
બેઠકમાં તાલુકા પ્રમુખ એડવોકેટ વલ્લભભાઈ વેલાણી, એડવોકેટ ખેરાજભાઈ ગઢવી, કલ્પાબેન, સવિતાબેન, અકબરભાઈ, ભોલુભાઈ, વિરમદેવસિંહ, જગદીશભાઈ થારૂ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા મુજબ, બેઠકમાં ગટરની સમસ્યાઓ, બિસ્માર રસ્તાઓ, બાંધકામ ક્ષેત્રે કથિત ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના વહીવટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

