ભુજમાં આસો શાશ્વતી નવપદની ઓળીનો પ્રારંભ

આરાધના ભવન જૈનસંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા આચાર્ય આનંદવર્ધનસૂરીશ્વરજી મ.સા., આચાર્ય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૧૮ની હાજરીમાં દાતા લીલાવંતીબેન મનસુખલાલ ગણેશભાઈ શેઠ પરિવાર – લલિયાના-ભુજના સહયોગથી તન-મનના રોગોનો નાશ કરનાર આસો શાશ્વતી નવપદની ૯ દિવસીય આરાધનાનો શુભારંભ કરાયો હતો. જેમાં ૩૬૦ આરાધકો જોડાયા હતા.
શાશ્વતી ઓળીના પ્રથમ દિવસની પ્રવચન માળામાં જૈનાચાર્ય આત્મદર્શનસૂરીશ્વરજીએ નવકાર મહામંત્રના નવ પદને શાશ્વત ગણાવતાં તેના ધ્યાનને શ્રેષ્ઠત્તમ આરાધના ગણાવી હતી. અરિહંત પદ પર વિવેચન કરતાં તેના ઔદાર્ય માધુર્ય અને સૌંદર્યનું વર્ણન તેમણે કર્યું હતું. તેમણે અરિહંત પરમાત્માને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા કરનાર, સર્વે ગુણોનું સાશ્વત સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ જ્ઞાનનો પુંજ, પરમ ઐશ્વર્યનું ધામ, તેમજ રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ આંતર શત્રુઓનો નાશ કરનાર કલ્યાણ મિત્ર ગણાવ્યા હતા.
શુભારંભમાં ૩૬૦ આરાધકો જોડાયા હતા અને ગુરુમુખે આયંબીલ તપના પ્રત્યાંખાન લીધા હતા.
​આ અવસરે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ્ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, સંઘના વડીલ દલીચંદભાઈ મહેતા સહિત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેવું મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ જણાવ્યું હતું.