રેલવેના અધિકારીઓ સાથેની બેઠકમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદને અપાયો વર્તારો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભુજથી માંડવી રેલ્વે જોડાણનો ગતિશક્તિ પ્રોજેક્ટ, કેન્દ્રના રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સાથ-સહકાર ઉપરાંત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયત્નો સાથે માંડવી સર્વાંગી વિકાસ પરિષદની સતત રજૂઆતથી આગામી ૩ વર્ષમાં ભુજથી માંડવી રેલ્વે જોડાણનો વર્ષો જૂનો પ્રાણપ્રશ્ન ઉકેલવાના એંધાણ મળ્યા છે.
રેલ્વેના અધિકારીશ્રીઓ પંકજકુમાર (C.M.I.) તથા સુદિપકુમાર (T.I.)એ શનિવારના માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રેલ્વેના અધિકારીઓએ ભુજથી માંડવી રેલ્વે જોડાણનો સકારાત્મક સંકેત આપ્યો હતો.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહે, રેલ્વેના અધિકારીઓને જરૂરી ડેટા પૂરા પાડી જણાવ્યું હતું કે, છેલ્લાં ૩ વર્ષમાં બેન્ટોનાઈટનું વેચાણ આશરે ૪૦ લાખ ટન થયું છે. જે પૈકી ૧૯ લાખ ટન જેટલું વિદેશમાં નિકાસ થયું છે. આ માલ ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યો માટે છે. માંડવીમાં રેલ્વે આવ્યેથી આ બધો માલ રેલવે માર્ગે નિકાસ થાશે. જેથી નિકાસકારો તથા રેલ્વે મંત્રાલયને આવકમાં મોટો ફાયદો થાશે. એટલું જ નહીં માંડવી શહેરની આસપાસ ૧૦ કિલોમીટરના ગ્રામ્ય વિસ્તાર જેવા કે, મસ્કા, ગુંદીયાળી, મોઢવા, ત્રગડી વગેરેમાં સ્થાપાનાર નવા ઉદ્યોગોના કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે રેલ્વે ખૂબજ ઉપયોગી થશે તેમજ રોજગારીના દ્વાર પણ ખુલશે. માંડવીમાં રેલ્વે આવ્યેથી માત્ર માંડવી શહેર કે ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ સમગ્ર કચ્છનો વિકાસ થશે. તેવી વિગતો તેમણે આપી હતી.
પરિષદે વધુમાં જણાવ્યું હતું કે, માંડવીને રેલ્વેની સુવિધા મળેથી તો રેલવે મંત્રાલયને અંદાજે ૧૫૦૦ કરોડ ખર્ચ થવાની શક્યતા છે જેની સામે વાર્ષિક ૨૪૦૦ કરોડની આવક થવાની શક્યતા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની આગેવાની હેઠળ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, મંત્રી દિનેશભાઈ શાહ અને કારોબારી સભ્ય ચંદ્રશેનભાઈ કોટક ભુજથી માંડવી રેલ્વે જોડાણના પ્રશ્ને થોડા સમય પહેલા દિલ્હીમાં કેન્દ્રના રેલ્વેમંત્રીની મુલાકાત લીધી હતી ત્યારે રેલ્વેમંત્રીએ પણ પ્રતિનિધિ મંડળને માંડવીને સુવિધા આપવા ખાતરી આપી હતી.
શનિવારે મળેલી બેઠકમાં પરિષદના પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, ખજાનચી ભરતભાઈ કપ્ટા, કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ સુરૂ, અને ચંદ્રશેનભાઈ કોટક તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી દિનેશભાઈ કોટક સાથે રહ્યા હતાં. રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માંડવીને રેલ્વેની સુવિધા આપવા માટે બે રૂટ તૈયાર થયા છે. તેથી વધારે સુગમ રેલ્વે રૂટ વિશે પણ વિગતે ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ હવે રૂટનો નકશો બનાવી, ખર્ચનો હિસાબ કરી, DRS – અમદાવાદને મોકલશે. ત્યારબાદ અમદાવાદ તરફથી જનરલ મેનેજર – મુંબઈને મોકલશે. ત્યારબાદ જનરલ મેનેજર તરફથી મંજૂરી સાથે દિલ્હીના રેલ્વે મંત્રાલયને મોકલાશે. અને આગામી બજેટમાં મંજૂરી મેળવી કામ ચાલુ થશે અને આગામી ૩ વર્ષમાં માંડવીને રેલ્વે મળવાની સુવિધા મળવાની પૂરી શક્યતા છે.

