પોલીસને અપાઈ કંપની અને સંલગ્ન વ્યક્તિઓના નામજોગ ફરિયાદ અરજી
દેશી એપ્લિકેશનના નામે વિદેશી કંપનીઓને ટક્કર આપવાની અને ટૂંકા સમયમાં અધધ વળતર આપવાની લાલચ આપીને મુંદરાના એક વેપારી સાથે રૂપિયા ૫,૫૦,૦૦૦ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંદરા સીટી પોલીસ સ્ટેશનમાં આ બાબતે અપાયેલી ફરિયાદ અરજી અનુસાર, આ કૌભાંડમાં મુંદરા અને આસપાસના અંદાજે ૧૭૦થી વધુ સ્થાનિક લોકો પણ ભોગ બન્યા હોવાની અને કરોડો રૂપિયા ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
મુંદરાના નવલખા બંગલા પાસે રહેતા અને ગેસ એજન્સી ચલાવતા અરજદાર નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાએ પોલીસ મથકે લેખિતમાં આપેલી વિગતો મુજબ, ગત ઓક્ટોબર ૨૦૨૫માં તેમની મુલાકાત સ્થાનિક મુન્દ્રાના હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પીંગલસુર સાથે થઈ હતી. આ ત્રણેય જણએ ફરિયાદીને ‘SD PAY’ નામની એક મોબાઈલ એપ્લિકેશનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે ગુગલ-પે અને ફોન-પે જેવી વિદેશી કંપનીઓની માર્કેટ તોડવા માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેમાં મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને ટિકિટ બુકિંગ જેવી સુવિધાઓ છે. આ એપ્લિકેશનમાં રોકાણ કરવાથી દર મહિને ૯ ટકા જેટલું મોટું વળતર (કેશબેક) અને અન્ય સ્કીમો હેઠળ ૩૦ ટકા સુધીનું કમિશન મળશે. આ રીતે અરજદાર નરેન્દ્રસિંહ ઝાલાનો વિશ્વાસ જીતાયા બાદ તેમની પાસેથી ટુકડે-ટુકડે ૫.૫૦ લાખ લેવાયા હતા. શરૂઆતમાં તેમની પાસે માત્ર એક હજારનું રોકાણ કરાવીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ હતી. ત્યારબાદ વધુ વળતરની લાલચ આપીને આરોપીઓએ વિશ્વાસમાં લઇ માર્ચ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તારીખે ૧,૫૦,૦૦૦/-, ૨,૦૦,૦૦૦/- અને ૧,૫૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦ રોકડા લીધા હતા અને પોતાના આઈડી પરથી ફરિયાદીના એપ્લિકેશન વોલેટમાં ડિજિટલ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેવું ફરિયાદ અરજીમાં જણાવાયું છે.
દરમ્યાન જ્યારે શ્રી ઝાલાએ પોતાના રોકેલા રૂપિયા પાછા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શન થવાનું બંધ થઈ ગયું હતું. તેમણે પૂછપરછ કરતાં જવાબદારોએ એપ્લિકેશનમાં અપડેટ ચાલુ છે, થોડા દિવસમાં ચાલુ થઈ જશે તેવા બહાના બતાવ્યા હતા. આ દરમિયાન માર્ચ ૨૦૨૬થી એપ્લિકેશનની તમામ સુવિધાઓ જેવી કે રિચાર્જ અને બિલ પેમેન્ટ પણ ઠપ્પ થઈ ગયા હતા. તેવી વિગતો આ લેખિત ફરિયાદમાં અપાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં છેતરપિંડી છુપાવવા માટે રાતોરાત એપ્લિકેશનનું નામ ‘SD PAY’ માંથી બદલીને ‘APANA PAY’ કરી નખાયું હતું. લોકોના ફસાયેલા નાણાં પાછા ન મળવા વચ્ચે રૂપિયા પાછા માંગતા સામૂહિક આત્મહત્યાની ધમકી મળી હોવાની વિગતો પણ પોલીસને લેખિતમાં અપાઈ છે. અરજદાર અને અન્ય ભોગ બનનારા સ્થાનિક લોકો જેમાં પરિતોષ ડાભી, મહેશ ગઢવી અને હર્ષ દેસાઈ સામેલ છે તેમણે જવાબદારો પાસે જઈને પોતાના નાણાં પાછા માંગ્યા, ત્યારે ઉદ્ધત વર્તન કરવા સાથે ફોન બ્લોક કરી દેવાયા હતા. એટલું જ નહીં, સ્થાનિકના આ જવાબદારોએ ધમકી આપી હતી કે, “જો તમે અમારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરશો, તો અમે આત્મહત્યા કરી લઈશું અને ચિઠ્ઠીમાં તમારા બધાના નામ લખતા જઈશું.”
અરજી કરનાર નરેન્દ્રસિંહએ આ આર્થિક કૌભાંડ બદલ મુખ્ય ૪ સૂત્રધારો સામે ગુનો દાખલ કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે. તેમાં સંતોષ પાઠક (સંચાલક – શિલવાસા અમદાવાદ), હરેશ ભદ્રેશા (રહે. મુંદરા, ), હિરેન પાંજરી (રહે. મુંદરા ) અને પરેશ પીંગલસુર (રહે. મુંદરા)નો સમાવેશ થાય છે. જવાબદારોએ એકસંપ થઈને, પૂર્વઆયોજિત કાવતરું રચી, ગેરકાયદેસર નાણાકીય સ્કીમ ચલાવીને લોકોને છેતાર્યા હોવાના પુરાવા તરીકે એપ્લિકેશનના સ્ક્રીનશોટ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. મુંદરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડના તાર વધુ ઊંડા હોવાની અને ભોગ બનનારનો આંકડો મોટો હોવાની શક્યતાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

