કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના એકમાત્ર ખેલાડી બન્યા
માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની ખેડૂત પુત્રી સભાઈબેન વાછીયાભાઈ ગઢવી (બાનાયત)એ કબડ્ડીના મેદાનમાં પોતાની પ્રતિભાનો પરચો આપીને આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને દેશનું નામ અંકિત કર્યું છે. મર્યાદિત સંસાધનો અને અનેક પડકારો વચ્ચે પણ પોતાની હિંમત અને આકરા પરિશ્રમ થકી સભાઈબેને તાજેતરમાં રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર મહિલા ખેલાડી તરીકે તેમની પસંદગી થવી એ માત્ર તેમના પરિવાર કે કચ્છ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.
સભાઈબેનની આ સફળતાની સફર તેમના જ ગામની મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં. ૨. માંથી શરૂ થઈ હતી. ધોરણ ૧ થી ૮ ના અભ્યાસ દરમિયાન જ તેમનામાં રમતગમત પ્રત્યેનો વિશેષ લગાવ અને કબડ્ડીની પ્રતિભા જોવા મળતી હતી. શાળાકક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી રમતાં-રમતાં તેમની આવડત વધુ નિખરી હતી. આ સફરમાં શાળાના આચાર્ય મયુરભાઈ જોશી, કોચ અને શિક્ષક હરેશકુમાર પંડ્યા તથા મદનસિંહ ચૌહાણનું માર્ગદર્શન નિર્ણાયક સાબિત થયું હતું.
સભાઈબેને પોતાની પ્રતિભાને વધુ પ્રખર બનાવવા વર્ષ ૨૦૧૮ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્પોર્ટ્સ સ્કૂલની પસંદગી પરીક્ષા આપી હતી, જેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયાં હતાં. ત્યારબાદ તેમણે મોરબીની નવજીવન વિદ્યાલયમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવી કબડ્ડીની ઘનિષ્ઠ તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે વર્ષ ૨૦૨૨-૨૩ માં સ્વામી વિવેકાનંદ બિનનિવાસી સંવર્ધન કેન્દ્ર અને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેઠળ પણ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી હતી. સભાઈબેનની આ સિદ્ધિ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમ હોય તો ગામડાની દીકરી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે.
દીકરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં સભાઈબેનના માતા-પિતાનો અડગ વિશ્વાસ અને શિક્ષકોની મહેનત પણ એટલી જ પ્રશંસનીય છે. આ સફળતા માત્ર એક ખેલાડીની નહીં, પરંતુ ગ્રામીણ પ્રતિભા, પરિવારના સમર્પણ અને શિક્ષકોના નિષ્ઠાપૂર્ણ માર્ગદર્શનની જીત છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. તેમ જિલ્લા રમતગમત અધિકારી કચ્છની યાદીમાં જણાવાયું છે.

