27 ઓક્ટોબરથી દેશમાં નવી સુવિધા લાગુ કરવાની તંત્રની વિધિવત ઘોષણા
ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે માત્ર IRCTCની ઈ-ટિકિટ જ નહીં, પરંતુ PRS કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો લાભ મળશે. આ સુવિધા સમગ્ર ભારતીય રેલવે નેટવર્ક પર 27 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. વીમા સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. તેનો લાભ લેવા માટે મુસાફરે વીમાનો વિકલ્પ પસંદ કરવો, મોબાઇલ નંબર આપવો અને ટિકિટ તથા વીમા પ્રીમિયમની ચુકવણી ડિજિટલ માધ્યમથી કરવી પડશે. તમામ કર સહિત વીમાનું પ્રીમિયમ માત્ર 45 પૈસા પ્રતિ મુસાફર રહેશે.
આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ રખાઈ છે. ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ, RAC અથવા આંશિક કન્ફર્મ ટિકિટ ધરાવતા પાત્ર મુસાફરોને તેનો લાભ મળશે. એક જ PNR હેઠળ બુક થયેલા તમામ પાત્ર મુસાફરોને વીમા કવર મળશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બર્થ/સીટ વગરની ટિકિટ હોય તો તેઓ આવરી લેવાશે નહીં, જ્યારે 5થી 11 વર્ષના બાળકો બર્થ સાથે કે વગર પણ પાત્ર રહેશે. તેવી વિગતો રેલવે તંત્રએ આપી છે. વીમા કવરમાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા માટે 10 લાખ, કાયમી આંશિક દિવ્યાંગતા માટે 7.50 લાખ અને ઈજાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે 2 લાખ સુધીનું કવર મળશે. મૃતદેહના પરિવહન માટે નિયમો મુજબ 10,000નો લાભ પણ અપાશે.
પશ્ચિમ રેલવેના તમામ PRS કેન્દ્રો પર સુધારેલું આરક્ષણ ફોર્મ ઉપલબ્ધ રહેશે. મુસાફરોને વીમા, ડિજિટલ ચુકવણી અને મોબાઇલ નંબર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ટિકિટ બુકિંગ બાદ વીમા પૉલિસીની વિગતો નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલાશે. મુસાફરે મળેલી લિંક મારફતે વીમા કંપનીની વેબસાઇટ પર નોમિનીની વિગતો ભરવાની રહેશે. દાવાની પ્રક્રિયા અને પૉલિસી જારી કરવાની જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહેશે. તેવું જણાવાયું છે.

