માંડવી અને ગોધરામાં ૨૫૧ કન્યાનું પૂજન કરી – સ્કૂલબેગનું વિતરણ

દાતાના સહયોગે સેવાભાવી સંસ્થાએ યોજ્યો કાર્યક્રમ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા દાતાના સહયોગથી, નવરાત્રી મહોત્સવમાં માંડવી અને ગોધરામાં ૨૫૧ કન્યાના પગ ધોઈ – તિલક કરી – પૂજન કરી સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. માંડવીના વાલ્મિકી સમાજ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ દરમિયાન છઠ્ઠા નોરતે શુક્રવારના રાત્રે મુંબઈ લોહાણા સમાજના પ્રમુખ નીતિનભાઈ પાંધીના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં દાતા જ્યોતિબેન અશ્વિનભાઈ માધવજી ચંદન (હસ્તે. ડિમ્પલબેન જીગરભાઈ ચંદન (નરા – તા.લખપત – હાલે ડોમ્બીવલી – મુંબઈ) તરફથી ૧૫૧ કન્યાને સ્કૂલબેગની ભેટ આપવામાં આવી હોવાનું ગોધરાની સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભ્ય દિનેશભાઈ શાહએ જણાવ્યું હતું.
આ પ્રસંગે દાતા ડિમ્પલબેન જીગરભાઈ ચંદન, હેતલબેન નીતિનભાઈ પાંધી, માંડવીના એડવોકેટ નોટરી દીપકભાઈ સોની સહયોગી રહ્યા હોવાનું માંડવી વાલ્મીકિ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનહરભાઈ પરમાર અને મંત્રી વિજયભાઈ વાઘેલાએ જણાવ્યું હતું. જ્યારે ગોધરા (માંડવી)માં વૈષ્ણવ સમાજ આયોજિત ચાચર ચોક સ્થિત નવરાત્રી મહોત્સવમાં પણ ૧૦૦ કન્યાઓનું પૂજન કરી, સ્કૂલબેગ ભેટ અપાઈ હતી. આ દાતાએ આ વર્ષે કચ્છ જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં કુલ ૫૦૦૦ સ્કૂલબેગ ભેટ આપી હોવાની વિગતો આ પ્રસંગે અપાઈ હતી.