આઠ દિનમાં LCBને તપાસ નહીં સોંપાય તો SP કચેરી બહાર ધરણાંની ચીમકી
ભુજ તાલુકાના સુખપર ગામના ભરત કોળીના શંકાસ્પદ મૃત્યુના મામલામાં નિષ્પક્ષ તપાસની માગણી વધુ બુલંદ બનાવાઈ છે. ગુરુવારે કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી છાનબીન સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવાની માંગ કરાઈ હતી. તો આ માટે આઠ દિવસની મહેતલ આપી જરૂર પડ્યે એસ.પી. કચેરી ખાતે ધરણા યોજવાની તૈયારી બતાવાઈ હતી.
આ આવેદનપત્ર આપવા સમયે કોળી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ જોડાયાં હતાં. ખાસ કરીને કોળી સમાજની મહિલાઓએ આંખોમાં આંસુ સાથે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ભરત કોલીના મોતની નિષ્પક્ષ તપાસ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને સોંપવાની માંગ કરી હતી.

આ પ્રસંગે મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જો આગામી 8 દિવસમાં ભરત કોલીના કેસની તપાસ LCBને સોંપવામાં નહીં આવે, તો કોળી સમાજ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની બહાર શાંતિપૂર્ણ ધરણાં કરવામાં આવશે.
રજૂઆતમાં મોહસિન હિંગોરજા, કિશોરદાન ગઢવી, ઇકબાલ જત, અરવિંદ કોળી, મોહમ્મદ ખલીફા, ફકીર મહમદ કુંભાર, મેઘજી કોલી, અનીસ જુનેજા, રવજી રામજી કોલી, રામજુ ભચુ કોલી, દાદુ કોલી અને ઉમર કોલી સહિતના આગેવાનો સહિતના જોડાયા હતા.

