ખાવડાના તબીબને વીડિયો કોલ કરી 1.40 લાખની ઠગાઈ

પાંચ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી આચરાઈ સાઇબર ઠગાઈ

સાઇબર ઠગો હવે સામાન્ય નાગરિકોની સાથે હવે સાક્ષરોને પણ નિશાન બનાવી રહ્યા છે. ખાવડામાં ધુવા હેલ્થકેરના સંચાલક ડોક્ટરને વીડિયો કોલ કરીને વિશ્વાસમાં લીધા બાદ અજાણ્યા શખ્સોએ અલગ-અલગ પાંચ બેંક ખાતામાં કુલ 1,40,498 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ અંગે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિધાજ ગામના વતની અને હાલ ધુવા હેલ્થકેર, ખાવડા ખાતે રહેતા કનકસિંહ વજેસિંહ મોરી (ઉ.વ.49, વ્યવસાયે ડોક્ટર)ને તા.4 નવેમ્બરથી 5 નવેમ્બર 2026 દરમિયાન વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીના મોબાઈલ નંબર પર વીડિયો કોલ દ્વારા વાતચીત કરી ગુગલ એકાઉન્ટને લગતી વિગતો મેળવાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઠગોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે પાંચ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાં YES Bankના ખાતામાં પ્રથમ 11,999 અને ત્યારબાદ 14,999, Bank of Indiaના ખાતામાં રૂ.50,000, Union Bankના ખાતામાં રૂ.17,999 તથા Bank of Indiaના અન્ય ખાતામાં રૂ.45,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, કુલ રૂ.1,40,498ની રકમ સેરવી લેવામાં આવી હતી.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે.