વાગડના સરહદી ગામોની કરાઇ સુરક્ષા સમીક્ષા

ઉચ્ચ પોલીસ અધિકારીઓના બે દિવસીય વિશેષ કાર્યક્રમનો પ્રારંભ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના આદેશ અનુસાર ગુજરાતના સરહદી વિસ્તારના ગામોમા બે દિવસના પ્રવાસ તથા વરિષ્ઠ આઇ.પી.એસ. અધિકારીઓના રાત્રી રોકાણ અને રાત્રે ગ્રામ સભા સાથે સરહદી ગામોમા પડતી અસુવિધા સહિતની બાબતોની સમીક્ષા માટે વાગડ વિસ્તારના ખડીરના કલ્યાણપર અને બાંભણકા ગામની મુલાકાત વડોદરા રેન્જ આઈ.જી. સંદિપસિંહ , જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, ખડીર પી.આઇ. એ.જે પરમાર, એલ.આઈ.બી. પી.આઇ. વાળા સહિતના અધિકારીઓએ લીધી હતી. આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગામના લોકો સાથે ખાટલા બેઠક યોજી શાળા મુલાકાત , આરોગ્ય, શિક્ષણ રસ્તા સહિતની વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે જાત માહિતી મેળવી હતી.

રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના ગામોમા જામનગર એસ.પી. ડો રવિ મોહન સૈની સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો ભુજના એસ.પી. અંસુમન જૈન, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.ભાટીયા , પી.આઇ. એમ.જી.પરમાર, આઇ.બી. પી.આઈ. મુકેશ સુથાર ઈન્ચાર્જ આઈ.બી. પ્રવિણભાઈ ડાંગર સહિત ના અધિકારીઓએ ધબડા અને વેરસરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે રાત્રે ખાટલા બેઠક યોજી વિવિધ માહિતી મેળવી હતી. ગામના લોકોએ મોબાઇલ ટાવર તથા આરોગ્ય સેવા , શિક્ષણ , રસ્તા, પાણી સહિતની વિવિધ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પોલીસ અધિકારીઓએ ગામમાં ફરજ બજાવતા તલાટીઓ શિક્ષક આંગણવાડી આરોગ્ય ના સરકારી કર્મચારીની બેઠક યોજી તથા ભરતકામ કરતી મહિલાઓના ઘરે મુલાકાત લીધી હતી.

પોલીસ અધિકારીઓએ સરહદી ગામોમાં રહેતા લોકોને અજાણ્યા લોકો તથા શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સાયબર ક્રાઇમ તથા યુવાનોને સરહદી સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સરહદી સુરક્ષા એજન્સી સાથે તાલમેલ કરવા માટે જણાવ્યું હતુ.

રાત્રે રોકાણ કરી સવારે સરહદી વિસ્તારની વિવિધ બી.ઓ.પી.ચોકી તથા અન્ય વિસ્તારની મુલાકાત લીધા બાદ તેઓ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.