ભુજ અધિક ચીફ કોર્ટ દ્વારા ચકચારી કેસમાં આદેશ
ભુજ તાલુકાના પધ્ધર ગામના તત્કાલીન સરપંચ અને તલાટીના ખોટા દાખલા તથા બોગસ સહી કરવાના આક્ષેપ સાથેની ફરિયાદવાળા વર્ષ 2024ના ચકચારી ફોજદારી કેસમાં આરોપી નવીન ભગીરથ યાદવને ચાર્જશીટ પહેલા જ નિયમિત જામીન આપતો આદેશ ભુજ અધિક ચીફ જયું. અદાલતે કર્યો હતો.
ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને બોગસ સહીઓના ઉપયોગ સાથે આરોપી નવીન યાદવ તથા અન્ય વ્યક્તિઓએ પધ્ધર ગ્રામ પંચાયતના નામે લેટરપેડ પર સરપંચ અને તલાટીની ખોટી સહીઓ કરી પોલીસ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે નવીન યાદવે ભારતીય સેનામાં ગુજરાત રાજ્યમાંથી ઉમેદવારી નોંધાવી હોવાનો પણ ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
આરોપી માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી દરમ્યાન બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે જરૂરી આધાર પુરાવા તપાસાયા હતા. કેસમાં જો પોલીસ સમક્ષ બોગસ આધાર બાબતે કોઈ પુરાવા રજૂ થયા હોય તો પોલીસ જાતે ફરિયાદી કેમ ન બની તેવી ટિપ્પણી સાથે ન્યાયાધીશે જામીન અરજી મંજુર કરતો આદેશ કર્યો હતો.
સામાન્ય રીતે ગંભીર કલમો ધરાવતા કેસોમાં ચાર્જશીટ પહેલાં જામીન મળવા ખૂબ જ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે. ત્યારે આ કેસમાં આરોપીને મળેલી રાહત નોંધપાત્ર બની છે.
આ કેસમાં આરોપી તરફે વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એમ. આચાર્ય, રોહિત એમ. મહેશ્વરી, ભૂમી પી. પંડ્યા અને નિતેશ વી. જોષીએ હાજર રહી દલીલો કરી હતી.

