સ્વામિનારાયણ મંદિર, ટ્રેન્ટ ખાતે નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતિય દિવસે આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા

સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટ ખાતે નવ નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતિય દિવસે ધાર્મિક ઉત્સવની સાથે આધ્યાત્મિક જાગૃતિ, સંસ્કાર અને સત્સંગના મૂલ્યોને ઉજાગર કરતા પ્રસંગો યોજાયા હતા.

મહોત્સવના દ્વિતીય દિને પ્રભાતના ભગવાનના દર્શન, આરતી, ધૂન અને પ્રાર્થનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંગળા આરતી સાથે દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવાની પવિત્ર પરંપરા છે, જે જીવનમાં શ્રદ્ધા, ભક્તિ, શાંતિ અને સદાચારના પ્રકાશને પ્રગટાવવાનો સંદેશ આપે છે. તેવી શીખ અપાઈ હતી.

મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ તથા વિવિધ ગ્રંથોની પારાયણની મહાપૂજા, વાંચનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ, પૂજન અને પ્રાર્થના દ્વારા ભગવાનના ચરણોમાં સમગ્ર મહોત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો. યજ્ઞની જ્વાળાઓ ત્યાગ, સમર્પણ, શુદ્ધતા અને કલ્યાણની ભાવનાનું પ્રતીક બની ભક્તોના હૃદયમાં આધ્યાત્મિક ભાવના જગાડનારી બની રહે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.

યજ્ઞમાં સહભાગી બની સંતો અને ભાવિકોએ ભગવાનના આશીર્વાદ, સુખ-શાંતિ, સત્સંગ અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાર્થના કરી હતી. મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ – લંડનની મધુર સૂરાવલિઓ દ્વારા વાજતે-ગાજતે, ભક્તિગીતો, જયઘોષ અને સભામંડપમાં આગમનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રોતાઓને આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રતિષ્ઠા મહોત્સવની આધ્યાત્મિક ગરિમાને વધુ ઉજ્જવળ બનાવનારી બની રહી હતી.

આ અવસરે વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ – શૈલેષભાઈ દાવડા વિગેરે મહાનુભાવો, યજમાનો , તથા દેશ વિદેશના હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. તેવું મહંત ભગવત પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.