12 ડિસેમ્બરે કચ્છની કોર્ટોમાં લોક અદાલત

ટ્રાફિક મેમોથી લઈને બેન્ક અને વીજળીના કેસોના નિકાલ માટે કરાશે કાર્યવાહી

અદાલતોમાં વર્ષોથી પડતર કેસોના ઝડપી અને પરસ્પર સમજૂતીથી ઉકેલ માટે આગામી 12 ડિસેમ્બર શનિવારે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગ યોજાશે.

આ લોક અદાલત પક્ષકારોને લાંબી કાનૂની પ્રક્રિયા અને ખર્ચમાંથી રાહત મેળવવાની તક પૂરી પાડશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં અદાલતોમાં પડતર સમાધાનપાત્ર સિવિલ અને ફોજદારી કેસોનો સમાવેશ કરવામાં આવશે. તેવી વિગતો અપાઈ છે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, જમીન સંપાદન વળતર, ગ્રાહક સેવા તકરાર, બેન્ક રિકવરી, વીજ કંપનીના વિવાદો, શ્રમ સંબંધિત કેસો, મોટર અકસ્માત વળતર, લગ્નવિષયક તથા અન્ય દિવાની કેસો પણ આ લોક અદાલતમાં મુકવામાં આવશે. અદાલતમાં હજુ દાખલ ન થયા હોય તેવા પ્રિ-લિટિગેશન કેસો જેવા કે ચેક રિટર્નની કલમ 138ના કેસો, બેન્ક લેણાં, શ્રમ વિવાદો તથા વીજળી-પાણીનાં બાકી લેણાંના મામલાઓનો પણ નિકાલ કરવામાં આવશે. તો મોટર અકસ્માતના કેસો માટે અગાઉ ખાસ પ્રિ-કન્સિલિએશન સિટિંગ પણ યોજવામાં આવી છે.

દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને મેમો અંગે નોટિસ પાઠવવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ટીમ તથા ભુજ અને ગાંધીધામના પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ દ્વારા મોનિટરિંગ કરી નિયમભંગ કરનારા વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. વાહનચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.