જ્ઞાતિ એકતા અને સંગઠન પર ભાર મુકાયો; વિદ્યાર્થીઓ, મહેમાનો, દાતાઓ અને ટ્રસ્ટીઓનું સન્માન
વિશા શ્રીમાળી સોની સમાજ-રાપર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જ્ઞાતિ એકતા, સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ તથા વિવિધ જ્ઞાતિ મંડળોના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. પૃથ્વા સોની અને હિયાંસી સોનીએ મહિષાસુર મર્દિની સ્તોત્ર પ્રાર્થના રજૂ કરી હતી. સમાજના વરિષ્ઠ અગ્રણી અને સલાહકાર રતીલાલભાઈ સોનીએ સ્વાગત કર્યું હતું.
સમાજનું ટ્રસ્ટ રચવા અંગેનો અહેવાલ ટ્રસ્ટી જયેશભાઈ સોનીએ રજૂ કર્યો હતો. આ પ્રસંગે અંજાર જ્ઞાતિ મંડળના પ્રમુખ મોહનભાઈ સોની, આદિપુર જ્ઞાતિ મંડળના પ્રમુખ જેઠાલાલ સોની, સમાજના ટ્રસ્ટીઓ તેમજ ઇનામ અને ટ્રોફીના દાતા જેઠાલાલ રામજીભાઈ ઘાસીયા પરિવારના વિશનજીભાઈ સોની તથા અન્ય દાતા અમૃતલાલ ગોવિંદજી સદાણી પરિવારના નાગરલાલ સોનીનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના નર્સરીથી કોલેજ કક્ષા સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સમાજના અન્ય સેવાભાવી વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મહેસૂલી તલાટી તરીકે તથા ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક આસિસ્ટન્ટ તરીકે સરકારી નોકરીમાં નિમણૂક મેળવનાર અંજલીબેન સોનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજનાં બાળકોએ કૃતિઓ રજૂ કરી હતી. કલાત્મક રજૂઆતો દ્વારા બાળકોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાની ઝાંખી કરાવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કુ. રાશી સોની અને કુ. જાન્વી સોનીએ કર્યું હતું.. જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના પ્રમુખ વિનોદભાઈ સોની ,ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોની, ખજાનચી કમલેશભાઈ સોની, સહમંત્રી કેતનભાઈ સોની, સહ ખજાનચી નિલેશભાઈ સોની, જય અંબે યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ સોની અને એમની ટીમે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી દિનેશભાઈ સોનીએ કર્યું હતું, જ્યારે પ્રમુખ વિનોદભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો

