કચ્છમાં મતદાન મથકોની પુનઃ ગોઠવણ પૂર્ણ, 2012માંથી ઘટીને 1946 મથક થયા

જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં 71 મતદાન મથકો મર્જ કરાયા, 5 નવા મતદાન મથકો ઉમેરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01-01-2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત SIR બાદ મતદારોની અદ્યતન સંખ્યાને આધારે કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં મતદાન મથકોની પુનઃગોઠવણી કરવામાં આવી છે. જેની આખરી પ્રસિદ્ધિ 25 નવેમ્બર 2026ના કરવામાં આવી હતી. અગાઉ જિલ્લામાં કુલ 2012 મતદાન મથકો હતા, જે હવે 1946 થયા છે. આ પ્રક્રિયામાં 5 નવા મતદાન મથકો ઉમેરાયા છે, જ્યારે 71 મતદાન મથકો મર્જ કરવામાં આવ્યા છે.

વિધાનસભા બેઠકવાર વિગતો મુજબ અબડાસામાં 397માંથી 382, માંડવીમાં 318માંથી 302, ભુજમાં 336, અંજારમાં 313માંથી 301, ગાંધીધામમાં 336માંથી 318 અને રાપરમાં 312માંથી 307 મતદાન મથકો થયા છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર 27 નવેમ્બરથી મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ મુસદ્દા સામે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ માટે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રવિવારે જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે. આ દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહી અરજીઓ સ્વીકારશે.

આગામી 1 જાન્યુઆરી 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો તેમજ વર્ષ 2027ની 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરની લાયકાતની તારીખોના સંદર્ભમાં મતદાર બનવા પાત્ર થનારા ભાવિ મતદારો પણ ફોર્મ નંબર-6 ભરી એડવાન્સ અરજી કરી શકશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 11 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે અને ત્યારબાદ 18 જાન્યુઆરી 2027ના રોજ આખરી7 મતદારયાદી પ્રસિદ્ધ થશે.

વધુમાં વધુ નાગરિકો આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ભાગ લે તેવી જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.