માત્ર ચાર દિવસમાં વધુ એક ગોઝારો અકસ્માત, ઢોરો પ્રાથમિક શાળા નજીક બનેલી ઘટનાથી શોક ફેલાયો.
કચ્છના ધોરીમાર્ગો પર અકસ્માતોની હારમાળા જાણે અટકવાનું નામ જ લેતતી ન હોય તેવા માહોલ વચ્ચે વેકરિયા રણમાં સાત જિંદગીઓનો ભોગ લેનારી દુર્ઘટના બાદ અકસ્માતોનો સિલસિલો અવિરત રહ્યો છે. હાજીપીર રોડ પર ચાર દિવસમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રેલર ચાલકે રોંગસાઇડમાં વાહન હંકારી એક્ટિવા પર ફરજ ઉપર જતી બે શિક્ષિકાનાં મૃત્યુ માટે નિમિત્ત બનેલા અકસ્માતનું સર્જન કર્યું હતું. આ ઘટનાથી અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ છે.
અકસ્માત વિશે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે સવારે ઢોરો ગામની પ્રાથમિક શાળા નજીક આ ઘટના સર્જાઈ હતી. ભોગ બનનારા દેશલપર ગુંતલીનાં રહેવાસી ઋષિતાબેન રશ્મિકાન્ત શાહ (ઉ.વ. 37) અને સંધ્યાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 39) બંને એક્ટિવા પર ઢોરો ગામની પ્રાથમિક શાળામાં ફરજ પર જઈ રહ્યાં હતાં.
દરમિયાન નખત્રાણા તરફ જઈ રહેલું ટ્રેઇલર રોંગસાઇડમાં ધસી આવ્યું હતું. ટ્રેઇલરની અડફેટે એક્ટિવા સાથે બંને શિક્ષિકાઓ કચડાઈ જતાં ગંભીર ઈજાઓના કારણે તેમના બંનેનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં.
બનાવ અંગે હાજીપીર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મંગળવારે આ જ વિસ્તારમાં ડમ્પરની ટ્રેક્ટરને ટક્કર લાગતાં મધ્યપ્રદેશના જાબુઆના શ્રમિક પરિવારનાં બાળકો સહિત ચાર જણના મોટ થયા હતા.
કચ્છના માર્ગો પર નિરંકુશ રીતે બેફામ — બેલગામ દોડતાં આવા વાહનો પર અંકુશ ક્યારે આવશે અને નિર્દોષ જિંદગીઓનો ભોગ લેતા અકસ્માતોનો આ સિલસિલો ક્યારે અટકશે ? તેવા સવાલો ફરી એકવાર ઉઠ્યા છે.

